લંડનઃ પ્રમુખ સ્વામી મહારાજે ૨૦ ઓગસ્ટ, ૧૯૯૫ના દિવસે નોર્થવેસ્ટ લંડનમાં નીસડન ખાતે સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે શેરીઓમાં નાચતાગાતાં અનુયાયીઓ સાથે હજારો લોકોની મેદનીએ હાથી પર અંબાડીમાં બેઠેલા પ્રમુખ સ્વામી મહારાજશ્રીને વધાવી લીધા હતા. આજે નીસડનની ક્ષિતિજ પર સ્વામીનારાયણ મંદિર ભવ્ય લેન્ડમાર્ક બન્યું છે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) કોમ્યુનિટી દ્વારા ઈસ્ટ લંડનમાં ચિગવેલ ખાતે મંદિરનિર્માણનો આગામી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે.
બ્રિટનમાં સ્વામીનારાયણ સંપ્રદાયના ૩૦,૦૦૦થી વધુ ભક્તો છે, જેઓ ૪૦ મંદિરોનો ઉપયોગ કરે છે. ઘણા મંદિરો તો વેરહાઉસીસ અને ચેપલ્સમાંથી રુપાંતર કરાયેલા છે. આ ઉપરાંત, આગામી વર્ષે વધુ એક નવું સેન્ટર બર્મિંગહામમાં ખોલવામાં આવે તેવી ધારણા છે. ગત થોડાં વર્ષોમાં માન્ચેસ્ટરના પ્રેસ્ટનમાં એશ્ટન-અંડર-લીન ખાતે અને લેસ્ટરમાં જિન્સ ફેક્ટરીમાંથી રૂપાંતરિત મંદિરો નવા કાર્યરત થયાં છે.
BAPS ukના મીડિયા રીલેશન્સ કો-ઓર્ડિનેટર યોગેશ પટેલે ધ ટાઈમ્સને જણાવ્યું હતું કે,‘અમે તાજેતરમાં ઈસ્ટ લંડનના ચિગવેલમાં વપરાશ નહિ કરાતી શાળાની જગ્યાએ થોડી જમીન સંપાદિત કરી છે. અહીં એક કેન્દ્ર બાંધવામાં આવશે અને સાઉથ લંડનમાં પણ આ પ્રકારનું સેન્ટર બાંધવાનું આયોજન અમે કરી રહ્યા છીએ.