લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન દ્વારા રવિવાર, પાંચ જુલાઈએ આયોજિત નેશનલ કાર્યકર શિબિરમાં સમગ્ર યુકે અને યુરોપમાંથી ૧,૪૦૦થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ‘ઉપાસક કાર્યકર’ નામ અપાયેલી શિબિરનો હેતુ કાર્યકરો દ્વારા હાથ ધરાતી પ્રવૃત્તિઓમાં નિહિત આધ્યાત્મિક જ્ઞાનના ચાવીરુપ સિદ્ધાંતો સમજવામાં મદદરુપ બનવાનો હતો. પ્રમુખ સ્વામી મહારાજ તેમના પ્રવાસો દરમિયાન આધ્યાત્મિક શાણપણ આપવાના અંગત પ્રયાસો કરે છે તેના વિશે પણ સાધુઓએ કાર્યકરોને જણાવ્યું હતું. કાર્યકરોએ પોતાના જીવનને આધ્યાત્મિક જ્ઞાન અને વ્રતો દ્વારા દૃઢનિષ્ઠ અને મજબૂત બનાવવું જોઈએ તેમ પણ સાધુઓએ જણાવ્યું હતું.
પૂજ્ય ડોક્ટર સ્વામી (સાધુ સ્વયંપ્રકાશદાસ)એ આ જ્ઞાનમાં કેવી રીતે નિષ્ઠા લાવી શકાય તેનું વ્યવહારુ માર્ગદર્શન સાથે વ્યક્તિએ પોતાના કાર્યની જવાબદારી ઉઠાવવા અને આત્મબળ વિકસાવવા અંગે પ્રેરણાત્મક ઉપદેશ ડેલીગેટ્સને આપ્યો હતો. કાર્યકરોએ આ શિબિરમાં પ્રાપ્ત જ્ઞાન, પ્રેરણા અને આનંદની વાત કરી હતી. બાળપણથી જ સત્સંગ કરાવવાથી, જયનાદ કરવાથી અને મૂર્તિના દર્શન માત્રથી તેમના જીવનમાં વિધેયાત્મક અસર થતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
શિબિરમાં જાહેરાત કરાઈ હતી કે ૨૨ અને ૨૩ ઓગસ્ટે ધામધૂમપૂર્વક મંદિરની ૨૦મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત, લંડનમાં સુવર્ણતુલાની ૩૦મી વર્ષગાંઠ નિમિત્તે ૮ અને ૯ ઓગસ્ટે ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીઓની તડામાર તૈયારી ચાલી રહી છે. યુકે અને યુરોપના હજારો હરિભક્તો ઉજવણીમાં ભાગ લેવા આવનાર છે. ભારતથી સદ્ગુરુ શ્રી ઈશ્વર ચરણ સ્વામી, અક્ષરધામ દિલ્હીના પૂ. આત્મસ્વરુપ સ્વામી (લંડન મંદિરમાં ૧૯૯૫થી ૨૦૦૫ સુધી તેમણે સેવા આપી હતી) તેમજ અન્ય સંતો આ પ્રસંગે ખાસ પધારશે.