લંડનઃ યુરોપિયન ઈકોનોમિક એરિયા (EEA) બહારથી છ માસ કરતા વધુ મુદત માટે યુકે આવતા નાગરિકોએ તેમની ઈમિગ્રેશન અરજી કરતી વખતે ‘હેલ્થ સરચાર્જ’ ચુકવવો પડશે. આવા જે નાગરિકો યુકેમાં છે તેમણે પોતાની મુદત વધારવાની અરજી કરતી વખતે આ ચાર્જ ચુકવવાનો રહેશે. સરકાર હંગામી માઈગ્રન્ટ્સને NHSમાં સારવાર આપવા માટે કરાતા ખર્ચને પહોંચી વળવા આગામી ૧૦ વર્ષમાં £૧.૭ બિલિયન ઉભાં કરશે. આ કાયદો છઠ્ઠી એપ્રિલથી અમલમાં આવ્યો છે.
યુકેમાં કામ, અભ્યાસ અથવા પરિવારના સભ્યોને મળવા આવતાં માઈગ્રન્ટ્સ અત્યારે કાયમી રહેવાસીની માફક જ NHSમાં મફત સારવાર મેળવે છે. ગયા વર્ષે કાયદો બનેલા ઈમિગ્રેશન એક્ટના હિસ્સારુપ ફેરફારો માઈગ્રન્ટ્સ NHSમાં તેમની સારવાર પાછળના ખર્ચમાં નાણાકીય ફાળો આપે તેની ચોકસાઈ માટે છે. માત્ર ઈંગ્લેન્ડમાં જ વિદેશી મુલાકાતીઓ અને માઈગ્રન્ટ્સ દ્વારા NHSના ઉપયોગ પાછળ અંદાજે વાર્ષિક £૨ બિલિયનનો ખર્ચ આવે છે, જેમાંથી £૯૫૦ મિલિયનનો ખર્ચ હંગામી, બિન- EEA કામદારો અને વિદ્યાર્થીઓ માટે કરાય છે.
આ હેલ્થ સરચાર્જ વાર્ષિક £૨૦૦ રહેશે અને વિદ્યાર્થીઓ માટે વાર્ષિક £૧૫૦ રહેશે, જે અગાઉથી જ અને માઈગ્રન્ટને યુકેમાં જેટલો સમય રહેવાની પરવાનગી અપાઈ હોય તે સંપૂર્ણ મુદત માટે લેવાશે. ટુરિસ્ટ વિઝા પર યુકે આવતાં EEA બહારના લોકોએ હેલ્થ સરચાર્જ ચુકવવાનો નહિ રહે. જો કે તેમણે મેળવેલી કોઈ પણ NHSસારવારનો સંપૂર્ણ ખર્ચ ચુકવવાનો રહેશે. સરચાર્જનું પ્રમાણ નિશ્ચિત કરતી વખતે સરકારે માઈગ્રન્ટ્સને અપાતી વિવિધ પ્રકારની નિઃશુલ્ક સારવારની સેવાની સાથોસાથ માઈગ્રન્ટ્સ દ્વારા દેશને અપાતા અમૂલ્ય પ્રદાન તેમજ યુકેને વિશ્વના શ્રેષ્ઠ અને હોંશિયાર લોકો માટે આકર્ષક બનાવી રાખવાના મુદ્દા પણ વિચાર્યા છે.
ઈમિગ્રેશન એન્ડ સિક્યુરિટી મિનિસ્ટર જેમ્સ બ્રોકનશાયરે જણાવ્યું હતું કે,‘બ્રિટનની સૌથી લોકપ્રિય જાહેર સેવા તેના તમામ ઉપયોગકર્તાને વાજબીપણે મળે તેની ચોકસાઈ રાખવામાં હેલ્થ સરચાર્જ મહત્ત્વની ભૂમિકા ભજવશે. પેઢીઓ સુધી બ્રિટિશ પ્રજાએ કર ચૂકવી NHSને વર્તમાન સ્થાને લાવવામાં મદદ કરી છે. સરચાર્જનો અર્થ એ છે કે હંગામી માઈગ્રન્ટ્સ પણ તેમની રીતે મદદરુપ બનશે. આપણી આરોગ્યસેવાઓ તમામ જરૂરિયાતમંદોને મળતી જ રહેશે, પરંતુ હવેથી EEA બહારના લોકોએ યુકેમાં રહેતા હંગામી માઈગ્રન્ટ્સ પાછળ કરાતા ખર્ચમાં યોગ્ય હિસ્સો આપવાનો રહેશે.’