લંડનઃ બ્રિટનમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ નોકરી કરી શકશે નહિ. ભારતીય વિદ્યાર્થીઓને પણ આ નિર્ણયથી મોટો ફટકો પડશે. ઈમિગ્રેશન મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરે જાહેરાત કરી છે કે આગામી મહિનાથી બ્રિટનમાં અભ્યાસાર્થે આવતા યુરોપિયન યુનિયન- ઈયુ દેશો સિવાયના વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી કરવા પર પ્રતિબંધનો અમલ શરુ કરી દેવાશે. બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદે પણ કહ્યું છે કે ઈમિગ્રન્ટ્સ દ્વારા શિક્ષણપદ્ધતિનો દુરુપયોગ સરકાર અટકાવશે.
ઈમિગ્રેશન મિનિસ્ટર બ્રોકેનશાયરે જણાવ્યું હતું કે બ્રિટનની જાહેર ભંડોળથી ચાલતી શૈક્ષણિક સંસ્થા-કોલેજોમાં અભ્યાસ કરવા આવતા ઈયુ રાષ્ટ્રો સિવાયના વિદેશી વિદ્યાર્થીઓ એક સપ્તાહમાં ૧૦ કલાક નોકરી કરવાનો અધિકાર ધરાવતા હતા, પરંતુ આગામી મહિનાથી આ સવલત પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું હતું કે પબ્લિક ફંડથી સંચાલિત કોલેજોને સહાય કરનારા મહેનતુ કરદાતાઓ એવી ઈચ્છા ધરાવે છે કે કોલેજોમાં વૈશ્વિક સ્તરનું શિક્ષણ આપવામાં આવે અને પાછલા બારણેથી બ્રિટિશ વર્ક વિઝા અપાવવામાં તેમની કોઈ ભુમિકા કે મદદ રહે નહિ.
નવા કાયદા હેઠળ બિન-ઈયુ વિદેશી વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ થયા પછી દેશ છોડવો પડશે અને નોકરી માટે પાછા ફરવા માટે નવેસરથી વિઝા અરજી કરવાની રહેશે. તેઓ વિઝા લંબાવવા અરજી કરી શકશે નહિ. તેમના રોકાણની મુદત પર કાપ મૂકી બે વર્ષની કરાય તેવી પણ શક્યતા છે. સરકારનો અંદાજ છે કે યુકે આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૨૦ સુધીમાં વાર્ષિક છ ટકાથી વધુ દરે વધશે. હોમ સેક્રેટરી થેરેસા મેએ ૮૭૦ બોગસ કોલેજો સામે પગલાં લઈ તેમને વિદેશી વિદ્યાર્થીને પ્રવેશ આપવા પ્રતિબંધિત કરી છે.
અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ બ્રિટનમાં પોતાનો ખર્ચ પૂરો કરી શકે તે માટે તેમને ચોક્કસ કલાક નોકરી કરવાની સવલત મળતી બંધ થવાથી તેઓ બ્રિટિશ યુનિવર્સિટીઓ અને કોલેજોના બદલે યુએસ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશો તરફ નજર દોડાવતા થયા છે. શિક્ષણક્ષેત્રના આર્થિક વિકાસમાં વિદેશી વિદ્યાર્થીઓનો મોટો ફાળો રહે છે, જે હવે ઘટી જવાની આશંકા છે. જોકે, હોમ ઓફિસના નિવેદનમાં સ્પષ્ટ કરાયું છે કે ગયા વર્ષે બ્રિટનમાં યુરોપિયન યુનિયન દેશો સિવાયના ૧૨૧,૦૦૦ વિદ્યાર્થી પ્રવેશ્યા હતા તેમાંથી માત્ર ૫૧,૦૦૦ વિદ્યાર્થી જ બ્રિટન છોડી ગયા હતા.