લંડનઃ બ્રેન્ટના મેયર કાઉન્સિલર પરવેઝ અહમદ, કાઉન્સિલર રેજ કોલ્વિલ તથા ન્યૂઝ વિક્લીઝ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના તંત્રી અને પ્રકાશક સી.બી. પટેલ GAAલંડન કોમ્યુનિટીના સભ્યો અને સ્થાનિક નિવાસીઓની હાજરીમાં કેન્ટોન હોલ ખાતે આયોજિત વાર્ષિક ક્રિસમસ પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા. થોડા દિવસ પછી મેયર GAAસીનિયર સિટિઝન પાર્ટીમાં પણ સામેલ થયા હતા, જ્યાં ૨૦૦થી વધુ લોકોએ કોમ્યુનિટીના સભ્યો દ્વારા જ તૈયાર કરાયેલા ક્રિસમસ ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો.
૧૯૭૧માં GAAલંડનની સ્થાપના થયા પછી, મંડળ નોંધપાત્ર પરિવર્તનો, અનેક પડકારો અને મહાન સિદ્ધિઓના સમયગાળામાંથી પસાર થયું છે. કોમ્યુનિટી માટે કેન્ટોન હોલ હસ્તગત કરી તેના સંચાલનમાં તમામ પૂર્વ અને વર્તમાન કમિટી સભ્યો, બોર્ટ ઓફ ટ્રસ્ટીઝ અને વોલન્ટીઅર્સના સમય અને શક્તિનો વ્યાપક ખર્ચ થયો છે. વેમ્બલી સ્ટેડિયમની નજીક આવેલો કેન્ટોન હોલ બ્રેન્ટ અને હેરો બરોની કોમ્યુનિટી માટે કેન્દ્રસ્થાન બનેલ છે. સેન્ટ્રલ નોર્થ લંડન માટે કાર્યક્રમોના આદર્શ સ્થળ અને પ્રેસ્ટન રોડ ટ્યુબ સ્ટેશનથી તદ્દન નજીક આવેલા કેન્ટોન હોલમાં સમગ્ર વર્ષ દરમિયાન કોમ્પ્યુટર ક્લાસીસ, યોગના વર્ગો, સીનિયર સિટિઝન્સ માટે માસિક ભોજન સમારંભ ઝુમ્બા, નવરાત્રિ, દિવાળી, તેમજ અન્ય તહેવારો અને મનોરંજક ઉજવણીઓમાં લોકો ભાગ લઈ આનંદ માણે છે.
કેન્ટોન હોલ ભવ્ય સ્થળ છે, જેનું નિર્માણ ૧૯૦૦ના પ્રારંભિક દાયકામાં સ્પોર્ટ્સ પેવેલિયન તરીકે કરવામાં આવ્યું હતું. તે વાસ્તવમાં મુખ્ય માર્ગથી દૂર અને હરિયાળા ખેતરોની વચ્ચે આવેલો વિશાળ હોલ છે. તેની અનોખી સજાવટ જળવાઈ રહી છે એટલું જ નહિ, અક્ષમ લોકો માટે સવલતો અને વિવિધ સુવિધા સાથે તેમાં તાજેતરમાં નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે. આ હોલ લગ્નો, રિસેપ્શન્સ, એંગેજમેન્ટ અને બર્થડે પાર્ટીઓ, કોમ્યુનિટી ઈવેન્ટ્સ તથા ડિનર અને ડાન્સ પાર્ટી માટે યોગ્ય સ્થળ છે, જ્યાં ૩૫૦ લોકો હાજર રહી શકે છે.