લંડનઃ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર નવતેજ સરના, બ્રિટિશ સાંસદ અને પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ આલોક શર્મા તેમજ ભારતના પ્રતિષ્ઠિત મોર્ગેજ લેન્ડર HDFCના ચેરમેન દિપક પારેખ દ્વારા પહેલી ઓગસ્ટે લંડન સ્ટોક એક્સચેન્જમાં રૂપિયા આધારિત પશ્ચિમના પ્રથમ મસાલા બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા. આ બોન્ડથી ૩૦૦૦ કરોડ રુપિયા (લગભગ ૪૫૦ મિલિયન ડોલર) ઉભા કરવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર ૨૦૧૫માં તેમની યુકે મુલાકાત દરમિયાન દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે લંડન સ્ટોક એક્સચેન્જમાં રુપિયા આધારિત બોન્ડ લોન્ચ કરવા જણાવ્યું હતું. યુકેના ચાન્સેલર ફિલિપ હેમન્ડે એચડીએફસીના આ બોન્ડને સીમાચિહ્ન લિસ્ટિંગ ગણાવી ઉમેર્યું કે આ ઘટનાથી ભારત અને બ્રિટન વચ્ચે આર્થિક સંબંધો સુદ્રઢ થશે.
વિદેશમાં રુપિયા આધારિત મસાલા બોન્ડ બહાર પાડનાર એચડીએફસી પ્રથમ કંપની છે. આ બોન્ડ ૩ વર્ષની સમયમર્યાદાના છે અને વર્ષે ૮.૩૩ ટકા વ્યાજ આપશે. એચડીએફસીના આ પગલાથી અન્ય મસાલા બોન્ડ બહાર પાડવાનો માર્ગ ખૂલ્યો છે. ઉલ્લેખનીય છે કે લંડન સ્ટોક એક્સચેન્જમાં ભારતીય રુપિયાના ૩૦ ઓફશોર બોન્ડ લિસ્ટ થયા છે, જેમાંથી ૩.૫ બિલિયન યુએસ ડોલર ઉભા કરાયા છે. આ બોન્ડથી વિશ્વભરના રોકાણકારો એચડીએફસી તરફ આકર્ષાશે. ભારતીય કંપની દ્વારા આ પ્રકારનું પગલું પ્રથમ હોવાનું તેમણે જણાવ્યું હતું.