લંડનઃ કરચોરીની તપાસમાં અસહકાર દ્વારા અવરોધ ઉભો કરવા બદલ ઓલ્ડ બેલી કોર્ટના જજ ટોપોલ્સ્કી QCએ હેરોના ૬૬ વર્ષીય એકાઉન્ટન્ટ અનિલ શાહને ઐતિહાસિક કાર્યવાહીમાં જંગી £૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. જજે શાહને દંડની રકમ ૨૮ દિવસમાં ચૂકવવા અથવા ૧૮ મહિનાની કેદની સજા ભોગવવાની તૈયારી રાખવા ચેતવણી આપી હતી. સ્ટેનમોરના અનિલ શાહ કરચોરી તપાસમાં સહકાર ન આપવા બદલ HMRC દ્વારા કાર્યવાહીનો ભોગ બનનારા પ્રથમ વ્યક્તિ છે. ખોટા અને ગેરમાર્ગે દોરતા નિવેદનો દ્વારા ડિસ્ક્લોઝર નોટિસનું પાલન ન કરવા માટે શાહને આ વર્ષે જુલાઈમાં દોષિત ઠેરવાયા હતા.
શાહ પર કાનૂની રીતે બંધનકર્તા ડોક્યુમેન્ટ્સની બજવણી કરાયા છતાં તેમના ક્લાયન્ટ્સ દ્વારા શંકાસ્પદ કરચોરીની તપાસમાં તેમણે HMRCના અધિકારીઓને મદદ કરવાનો ઈનકાર કર્યો હતો. ગુનાની તપાસના ભાગરૂપે ડિસ્ક્લોઝર નોટિસની પણ તેમણે અવગણના કરી હતી. આ નોટિસ મુજબ સંબંધિત વ્યક્તિએ HMRCને પેપરો અને માહિતી આપવાની હોય છે. તપાસ અધિકારીઓએ તેને પડકારતા શાહે તેને માટે સંખ્યાબંધ નિવેદનો આપ્યા હતા, જે તદ્ન ખોટા હતા.
HMRCની ફ્રોડ ઈન્વેસ્ટિગેશન સર્વિસના સાયમન યોર્કે જણાવ્યું હતું કે પ્રોફેશનલ એકાઉન્ટન્ટ તરીકે શાહની જવાબદારી પોતાના ક્લાયન્ટને સાચી સલાહ આપવાની અને HMRC ના નિયમોનું પાલન કરવાની હતી. તેને બદલે શાહે તેમના વિશેષ દરજ્જાનો ગેરલાભ ઉઠાવ્યો અને ઈરાદાસર કાયદાનો ભંગ કર્યો હતો.
શાહના બે ક્લાયન્ટને ૨૦૧૫માં £૧.૨ મિલિયનની વેટ ચોરી બદલ સાત વર્ષની જેલ સજા કરાઈ હતી.