લંડનઃ કામના બોજાગ્રસ્ત ટેક્સ કર્મચારીઓને વિલંબથી દાખલ કરાયેલા ૮૯૦,૦૦૦ કરદાતાના ટેક્સ રિટર્ન્સની વધુ તપાસ નહિ કરવા અને દંડની £૯૦ મિલિયન જેટલી રકમ માંડવાળ કરવા સૂચના અપાઈ છે. કોમ્પ્યુટર બંધ થવા સહિત વાજબી કારણો દર્શાવનાર કરદાતાઓ પાસેથી દંડ વસૂલ કરવામાં નહિ આવે. રિટર્ન્સ ભરવામાં એક દિવસનો પણ વિલંબ થાય તો £૧૦૦નો દંડ ફટકારાય છે. HMRC કહે છે કે તે ટેક્સની ચોરી અને ગેરરીતિઓની તપાસ પર વધુ ધ્યાન આપવા માગે છે.
૩૧ જાન્યુઆરીની સમયમર્યાદા પછી ટેક્સ રિટર્ન્સ ભરવા બદલ £૧૦૦નો દંડ કરવા સામે કારણો કે બહાના દર્શાવતા વિવાદમાં આશરે દસ લાખ અરજીઓનો બેકલોગ HMRC સમક્ષ આવ્યો છે. રિટર્ન્સ ભરવામાં એક દિવસનો પણ વિલંબ થાય તો દંડ ફટકારાય છે. HMRCની વેબસાઈટ અનુસાર અંકુશ અથવા ધારણા બહારના કારણો- પરિબળોના કારણે ટેક્સ જવાબદારી ચૂકી જવાય તેને સામાન્યપણે ‘વાજબી’ કારણ ગણાય આવે છે. આ કારણોમાં પાર્ટનરનું મૃત્યુ, હોસ્પિટલમાં અનપેક્ષિત રોકાણ, ટેક્સ સત્તાવાળાની ઓનલાઈન સેવા અંગે ફરિયાદ, કોમ્પ્યુટર ફેઈલ્યોર્સ, આગ અથવા પોસ્ટ દ્વારા વિલંબ સહિતનો સમાવેશ થાય છે.
HMRCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે સામાન્ય કરદાતા યોગ્ય કાર્યનો પ્રયાસ કરતા હોય તેને દંડવાના બદલે મોટા ટેક્સ એવોઈડન્સ અને કરચોરીની તપાસમાં સ્રોતોનો ઉપયોગ કેન્દ્રિત કરવા માગીએ છીએ. કરદાતાએ ટેક્સ રિટર્ન્સ મોડું ભર્યા પછી પેનલ્ટી સામે અપીલ કરી હોય તેવા બહુમતી કેસમાં અમે અપીલને સ્વીકારી પેનલ્ટી રદ કરી શકીએ છીએ.