લંડનઃ હિન્દુ સ્વયંસેવક સંઘ યુકે (HSS-UK)એ ITV કાર્યક્રમ ‘ચેરિટીઝ બીહેવિંગ બેડલી’માં કરાયેલા આક્ષેપો નકારી કાઢ્યા છે. આ કાર્યક્રમ ૧૮ ફેબ્રુઆરી, બુધવારે રાત્રે પ્રસારિત કરાયો હતો. સંસ્થાએ નિવેદનમાં જણાવ્યું હતું કે અન્ય ધર્મના વિરોધી તરીકે અમારું ચિત્રણ ખોટું છે તેમ જ આંતરધર્મીય સંબંધોના નિર્માણમાં HSS દ્વારા કરાયેલા રચનાત્મક કાર્યોના પ્રતિવાદ સમાન છે.
ITVના અન્ડરકવર રિપોર્ટરોએ ધાર્મિક ચેરિટીઝમાં ઘૂસણખોરી કરી ડોક્યુમેન્ટરી માટે માહિતી મેળવી હતી. HSS-UKના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા ૧૯૬૬થી યુકેમાં કાર્યરત છે અને સંસ્થાના કોઈ પણ કાર્યકર સામે કોઈ પૂછપરછ કે આરોપ મૂકાયા નથી. અમે હિન્દુ મૂલ્યોનો પ્રસાર કરીએ છીએ અને અમારા સ્વયંસેવકો બ્રિટિશ સમાજમાં રચનાત્મક પ્રદાન કરે છે.