લંડનઃ £૪૦,૨૭૭ના ટેક્સ ફ્રોડમાં NHSના ૫૯ ડોક્ટર અને નર્સ સહિતના કર્મચારીનો ડેટા ચોરીને તેનો દુરુપયોગ કરનારા બોલ્ટનના ૨૯ વર્ષીય એકાઉન્ટન્ટ શર્જીલ ઈકબાલને ૨૧ મહિનાની કેદની સજા ફરમાવાઈ છે. તેણે NHS ફાઈનાન્સ વર્કર તરીકેના હોદ્દાનો ગેરલાભ ઉઠાવીને ટેક્સ રિફન્ડ મેળવવાપાત્ર આ લોકોની માહિતી ચોરીને તેમની જાણ બહાર ક્લેઈમ્સ સુપરત કરી રિફંડના નાણાં પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.
ઈકબાલે ૨૦૧૨ અને ૨૦૧૩ વચ્ચે અસ્તિત્વ વિનાના ક્લાયન્ટો વતી £૪૦,૨૭૭ના સેલ્ફ એસેસમેન્ટ રિપેમેન્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કેટલાક લોકોની વિગતો તેમજ ઈકબાલના એકાઉન્ટિંગની કાર્યપદ્ધતિ અંગે શંકા જતા HMRCએ £૧૪,૩૦૮ની ચૂકવણી અટકાવી દીધી હતી.
HMRCના અધિકારીઓએ એ ૧૨ નવેમ્બર, ૨૦૧૪ના રોજ તેના ઘર અને ઓફિસે દરોડા પાડી તેની ધરપકડ કરી લેપટોપ, બિઝનેસ રેકર્ડ્સ અને મોબાઈલ ફોન્સ તપાસ માટે જપ્ત કરવા ઉપરાંત, મોટી રોકડ રકમ પણ જપ્ત કરી હતી.
HMRCની ફ્રોડ ઈન્વેસ્ટિગેશન સર્વિસના આસિસ્ટન્ટ ડિરેક્ટર સાન્ડ્રા સ્મિથે જણાવ્યું હતું કે એક એકાઉન્ટન્ટ તરીકે ટ્રસ્ટમાં તેનો હોદ્દો ભરોસાપાત્ર હતો અને તે સારી રીતે જાણતો હતો કે તે કાયદાનો ભંગ કરી રહ્યો છે. તેણે અંગત વિગતો ચોરી, ટેક્સ રિપેમેન્ટના પેપરો પર બનાવટી સહીઓ કરીને ખોટા ક્લેઈમ્સ સુપરત કર્યા હતા.