લંડનઃ NHS દ્વારા ગત નાણાકીય વર્ષમાં એજન્સી નર્સીસ અને ડોક્ટર્સ પાછળ વિક્રમી £૩.૩ બિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો છે. હંગામી સ્ટાફ પાછળનો ખર્ચ એક વર્ષમાં ૩૩ ટકા એટલે કે £૮૦૦ મિલિયન વધ્યો છે, જે સમગ્ર દેશમાં આરોગ્ય સંસ્થાની કુલ ખાધ જેટલો છે.
રેગ્યુલેટર્સના રિપોર્ટ અનુસાર નેશનલ હેલ્થ સર્વિસના ટ્રસ્ટો એક સિંગલ શિફ્ટમાં એક ડોક્ટર માટે £૩,૨૦૦ અને નર્સને ૧૨ કલાકની કામગીરી માટે £૨,૨૦૦ સુધીની ચુકવણી કરે છે. આનો અર્થ એ થાય કે ટ્રસ્ટો દ્વારા £૭૦૦,૦૦૦થી વધુ વેતન સમકક્ષ ચુકવણી કરવામાં આવે છે. આમાંનો મોટા ભાગનો હિસ્સો વર્કર્સ પૂરા પાડતી એજન્સીને ચુકવાય છે. જો વધતો જતો ખર્ચ ઘટાડવામાં નહિ આવે તો આરોગ્ય સંસ્થાનું દેવાળુ નીકળશે અને બ્રિટિશ અર્થતંત્રને સહન કરવું પડશે તેવી ચેતવણી પણ અપાઈ છે.