લંડનઃ NHSમાં નોકરીએ રખાતા ઈયુ સહિતના તમામ વિદેશી નર્સિંગ, મિડવાઈવ્ઝ, ડેન્ટિસ્ટ અને ફાર્માસિસ્ટે માર્ચ મહિનાથી સૌપ્રથમ વખત ઈંગ્લિશ ભાષામાં કુશળતાની પરીક્ષા આપવી પડશે. હાઉસ ઓફ કોમન્સમાં ગણતરીના સપ્તાહોમાં કાયદામાં સુધારો કરવા મતદાન કરાશે. આ સાથે કામદારોની હેરફેરના ઈયુ કાયદાના છીંડાને દૂર કરાશે.
ગયા વર્ષે ઈયુના ડોક્ટર્સ માટે ઈંગ્લિશ ભાષામાં કુશળતા દર્શાવવાની પરીક્ષા માટે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે આ નિયમો ઈયુમાંથી આવતા નર્સીસ, મિડવાઈવ્ઝ, ડેન્ટિસ્ટ ફાર્માસિસ્ટ્સ તેમ જ અન્ય ડેન્ટલ પ્રોફેશનલ્સ અને ટેક્નિશિયન્સને પણ આવરી લેશે. માર્ચ મહિનાથી જે અરજદારો મેડિકલ રેગ્યુલેટર્સ સમક્ષ ડોક્ટરો અને પેશન્ટ સાથે વાતચીત કરવાની પૂરતી કુશળતા હોવાનું પ્રસ્થાપિત કરી ન શકે તેમણે ભાષાકીય પરીક્ષામાં બેસવાનું રહેશે.
નર્સીસ અને મિડવાઈવ્ઝ માટે આ પરીક્ષા નર્સિંગ એન્ડ મિડવાઈફરી કાઉન્સિલ દ્વારા લેવાશે. ઈયુ બહારના અરજદારો માટે પણ આ કાઉન્સિલ દ્વારા પરીક્ષા લેવાઈ રહી છે. જોકે, પરીક્ષા લેખિત કે મૌખિક પ્રકારની હશે તે મુદ્દે કોઈ સ્પષ્ટતા થઈ નથી. ઈયુના ડેન્ટિસ્ટે જનરલ ડેન્ટલ કાઉન્સિલ અને ફાર્માસિસ્ટે જનરલ ફાર્માસ્યુટિક્લ કાઉન્સિલ સમક્ષ ભાષા કૌશલ્ય પુરવાર કરવાનું રહેશે.
હેલ્થ મિનિસ્ટર ડો. ડાન પોલ્ટરે જણાવ્યું હતું કે આ પગલું દર્દીની સલામતીની દિશામાં મહત્ત્વનું આગેકદમ છે. નબળા અંગ્રેજી સાથેના ફોરેન નર્સીસ સૂચનાઓ અને સંખ્યા માટેના શબ્દો સમજી શકતા ન હોવાથી દવાના સાચા ડોઝ આપી શકતા ન હોવાથી ચિંતા વ્યક્ત કરાય છે. પેશન્ટ્સ પણ બરાબર અંગ્રેજી ન સમજતા કે બોલતા સ્ટાફને પોતાની મુશ્કેલી સમજાવી શકતા નથી. હોસ્પિટલોએ ગયા વર્ષે ઈરાક, સીરિયા, સુદાન, કતાર અને ઓસ્ટ્રેલિયા સહિત ૨૭ દેશમાંથી ડોક્ટરોની ભરતી કરી હતી.