લંડનઃ NHS સ્ટાફની અછત ઘટાડવા પ્રયાસ કરે છે ત્યારે એક દાયકામાં આરોગ્યસેવામાં વિદેશી ડોક્ટરોની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો થયો છે. નવા આંકડા અનુસાર પાંચ ફેમિલી ડોક્ટર અથવા જીપીમાંથી એક ડોક્ટર વિદેશી છે. એસેક્સ જેવા કેટલાંક વિસ્તારોમાં તો આ સંખ્યા ૬૬ ટકાથી પણ વધુ છે. યુકેમાં જ જન્મેલા જીપીની અછતના કારણે આગામી થોડાં વર્ષોમાં વિદેશી ડોક્ટર્સની સંખ્યા હજુ વધતી રહેશે.
હેલ્થ એન્ડ સોશિયલ કેર ઈન્ફોર્મેશનના આંકડા અનુસાર વર્તમાન જીપીના ૨૨.૩ ટકાએ તેમની લાયકાત વિદેશમાં હાંસલ કરી છે. ૨૦૦૪માં આ સંખ્યા ૧૮.૮ ટકા હતી. જોકે, ઈસ્ટ લંડનના બાર્કિંગ અને ડેગનહામમાં વિદેશી ડોક્ટર્સની સંખ્યા ૭૧ ટકા, કેન્ટના મેડવેમાં ૬૩ ટકા અને નોર્થ લિંકનશાયરમાં ૫૮ ટકા છે. અનેક જીપી ડોક્ટરો વહેલા નિવૃત્ત થતા હોવાથી એનએચએસને અછતનો સામનો કરવો પડે છે. ઘણાં ડોક્ટર્સ સારી પરિસ્થિતિની શોધમાં વિદેશ જતા રહ્યાં છે. ધ રોયલ કોલેજ ઓફ જીપીના અંદાજ અનુસાર વસ્તી અને વૃદ્ધોની સંખ્યામાં વધારાના કારણે NHSને આગામી પાંચ વર્ષમાં વધુ ૮,૦૦૦ ડોક્ટરની ભરતી કરવાની જરૂર પડશે.
NHSમાં ૪૦,૫૮૪ જીપી કામ કરે છે, જેમાંથી ૯,૦૫૦ ડોક્ટર દરિયાપારના છે. ૨૦૦૪માં કુલ ફેમિલી ડોક્ટર્સની સંખ્યા ૩૪,૮૫૫ હતી ત્યારે વિદેશી ડોક્ટર્સ ૬,૫૫૦ હતા. બ્રિટિશ મેડિકલ એસોસિયેશનની જીપી કમિટીના ડેપ્યુટી ચેરમેન ડો. રિચાર્ડ વોટ્રે કહે છે કે હેલ્થ સર્વિસને ટેકો આપવા આપણે સમગ્ર વિશ્વમાંથી ડોક્ટર્સની જરૂર રહેશે અને આપણે પૂરતી ટ્રેનિંગ પણ આપતા નથી. જનરલ મેડિકલ કાઉન્સિલના ડેટા અનુસાર મોટા ભાગના વિદેશી ડોક્ટર્સ ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને નાઈજિરિયાથી આવે છે.