લંડનઃ યુકેની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) વિશ્વમાં પાંચમા ક્રમની સૌથી મોટી નોકરીદાતા છે અને દર ત્રણ દિવસે તેનો અધધધ... કહેવાય તેવો £૧ બિલિયનથી વધુ ખર્ચ છે. ધ ટેલિગ્રાફ દ્વારા આ નાણા શેની પાછળ ખર્ચાય છે તેનો અભ્યાસ કરાયો છે. NHS ૧.૩ મિલિયન લોકોને નોકરી આપે છે, જે સંખ્યા ન્યુકેસલ, બ્રિસ્ટલ અને લિવરપૂલની કુલ સંયુક્ત વસ્તીથી પણ વધુ છે. તેનું £૧૧૫ બિલિયનનું કુલ વાર્ષિક બજેટ ન્યૂ ઝીલેન્ડની કુલ ઘરેલુ પેદાશ (GDP) જેટલું ઊંચુ છે.
કરદાતા વ્યક્તિ દીઠ આશરે £૨૦૦૦ ફાળવાય છે તેવી NHSને ૨૦૨૦ સુધીમાં £૨૦ બિલિયન જેટલી નાણાકીય તંગી અનુભવવી પડશે તેવી ચેતવણી છતાં તેના હિસાબો પર ધ્યાન અપાતું નથી. ધ ટેલિગ્રાફના અભ્યાસમાં મોતિયાની સર્જરીથી માંડી હોસ્પિટલોની સફાઈ, કન્સલ્ટન્ટ્સના વેતનથી માંડી લોન્ડ્રી અને બગીચાકામ પાછળ કરાતા ખર્ચા આવરી લેવાયાં છે. NHS દ્વારા દર ત્રણ દિવસે કુલ £૧ બિલિયનથી વધુ ખર્ચ કરાય છે.
OECD દ્વારા ૨૦૧૨માં યુરોપના ૩૫ દેશમાં હેલ્થ સિસ્ટમ્સના આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ જર્મની અને ફ્રાન્સની સરખામણીએ યુકે આરોગ્ય પાછળ વ્યક્તિ દીઠ ઘણો ઓછો ખર્ચ કરે છે. બ્રિટનમાં ૧,૦૦૦ની વસ્તીમાં માત્ર ૨.૭૫ ડોક્ટર્સ છે જ્યારે જર્મની અને ફ્રાન્સમાં આ પ્રમાણ અનુક્રમે ૪ અને ૩.૩૨ ડોક્ટર્સનું છે. બ્રિટનમાં ૧,૦૦૦ની વસ્તીએ ૨.૮ હોસ્પિટલ બેડ છે, જ્યારે જર્મની અને ફ્રાન્સમાં આ પ્રમાણ અનુક્રમે ૮.૩ અને ૬.૩ હોસ્પિટલ બેડનું છે.
NHS દ્વારા ક્યાં કેટલો ખર્ચ થાય છે?
• NHS દ્વારા તેના વાર્ષિક વેતન બિલ પાછળ અંદાજે £૪૫.૩ બિલિયન, દવાઓ પાછળ અંદાજે £૧૭.૮ બિલિયન તેમજ મોતિયાની સામાન્ય સર્જરીથી માંડી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જેવી અસામાન્ય સર્જરી સહિત ૨,૨૦૦ જેટલી વિવિધ હોસ્પિટલ પ્રોસીજર્સ અને સારવારો પાછળ અંદાજે £૫૮ બિલિયન ખર્ચવામાં આવે છે. • તમામ હોસ્પિટલોનું સફાઈ બિલ £૯૦૦ મિલિયન, લોન્ડ્રી બિલ £૧૭૭ મિલિયન અને ગાર્ડનિંગ બિલ £૨૬ મિલિયન એટલે કે કુલ £૧.૧ બિલિયનથી વધુ થયું હતું. • NHS દ્વારા સીરિન્જીસ, ડ્રેસિંગ, સર્જિકલ માસ્ક, ગ્લોવ્ઝ અને અન્ય રોજિંદા વપરાશની વસ્તુઓ પાછળ વાર્ષિક £૨ બિલિયન તેમજ મોંઘા તબીબી ઉપકરણો માટે વાર્ષિક £૩ બિલિયન અને ટ્રાન્સપોર્ટ, સ્ટેશનરી જેવી સામાન્ય ચીજવસ્તુ અને સેવા માટે વાર્ષિક £૪ બિલિયનનો ખર્ચ કરાયો હતો. • GPઓ દ્વારા પ્રીસ્ક્રાઈબ કરાતી મુખ્ય ૧૦ દવાનો કુલ ઘટક ખર્ચ વાર્ષિક £૧.૮૬ બિલિયન હતો. એસ્પિરીન અને પેરાસિટામોલની ૫૩ મિલિયન ટેબલેટ્સનો ઘટક ખર્ચ £૧૧૨.૩ મિલિયન હતો. • કન્સલ્ટન્ટ્સને વાર્ષિક વેતન £૪.૮ બિલિયન, જ્યારે ક્વોલિફાઈડ નર્સીસને £૯.૮ બિલિયનથી વધુ ચુકવાયા હતા. • સ્પીચ અને લેન્ગ્વેજ થેરાપિસ્ટની કમાણી £૨૧૨ મિલિયન, જ્યારે પોર્ટર્સને £૧૬૪ મિલિયન ચુકવાયા હતા. • કુલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટાફ સપોર્ટને ચુકવાતા £૫.૯ બિલિયન પગારમાંથી મેનેજર્સ અને સીનિયર મેનેજર્સને £૨.૧ બિલિયન અને ક્વોલિફાઈડ એમ્બ્યુલન્સ સ્ટાફને £૬૮૧ મિલિયન ચુકવાયા હતા. • NHSમાં એપ્રિલ ૨૦૧૪ સુધીના ૧૨ મહિનામાં અંદાજિત £૨૭૬ મિલિયનથી વધુના ખર્ચે ૩૦૪,૦૦૦ કેટેરેક્ટ સર્જરી તેમજ અંદાજિત £૬૦૨ મિલિયનના ખર્ચે ૧૬૪,૦૦૦ સિઝેરિયન સેક્શન કરવામાં આવ્યાં હતાં. • NHS દ્વારા તબીબી બેદરકારીના કેસીસમાં £૧.૨ બિલિયન ચુકવાયા હતા, જેમાં ડેમેજિસ પાછળ વાર્ષિક £૮૪૦ મિલિયન તેમજ ડોક્ટરો અને હોસ્પિટલ સામે દાવાઓમાં કાનૂની પેઢીઓને £૨૫૯ મિલિયન લીગલ કોસ્ટ તરીકે ચુકવાયા હતા.