લંડનઃ યુકેમાં ભારતીયો અને અન્ય બિનયુરોપીય ઈમિગ્રન્ટ્સના અધિકારો માટે કાર્યરત HSMP ફોરમે આવશ્યક દ્વિનાગરિકત્વ કાયદો પસાર કરી તેના વચનને સાર્થક અને વાસ્તવિક બનાવવા ભારત સરકાર સમક્ષ માગણી કરી છે. આ ફોરમ સતત દ્વિનાગરિકત્વ અભિયાન ચલાવી રહ્યું છે. યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશો તેમના નાગરિકોને આવો અધિકાર આપે છે. પાકિસ્તાન અને બાંગલાદેશે પણ પસંદગીના દેશો માટે આ અધિકાર આપેલો છે.
ભારત દ્વારા તાજેતરમાં વિશ્વભરમાં પહેતા બિનનિવાસી ભારતીયોને વતનની મુલાકાત લેવા આમંત્રણ અપાયું હતું. દરિયાપારની ભારતીય કોમ્યુનિટીની સંખ્યા ૨૫ મિલિયનથી વધુ છે અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. આ ભારતીયોને ખરેખર આવકારની લાગણી થાય તે માટે પણ બેવડાં નાગરિકત્વને વાસ્તવિકતામાં ફેરવવું જોઈએ તેમ ફોરમ માને છે.
ભાજપ વિપક્ષમાં હતો ત્યારે તેણે દ્વિનાગરિકત્વનું સમર્થન કર્યું હતું અને મે ૨૦૧૧માં લંડનની મુલાકાતે આવેલા ભાજપના તત્કાલીન પ્રમુખ નીતિન ગડકરીએ પણ દ્વિનાગરિકત્વની તરફેણ કરી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મે ૨૦૧૧માં દ્વિનાગરિકત્વ માટે તરફેણ કરી હતી.
HSMP ફોરમના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર અમિત કાપડિયા જાન્યુઆરીમાં ભારત મુલાકાત દરમિયાન દ્વિનાગરિકત્વના મુદ્દે સુષમા સ્વરાજ, ડી. સદાનંદ ગોવડા, સુરેશ પ્રભુ અને નીતિન ગડકરી સહિતના કેબિનેટ પ્રધાનોને મળ્યા હતા. આ તમામે સકારાત્મક પ્રતિભાવો આપવા છતાં પોતાની ભારતીય નાગરિકતા છોડી ચુકેલા અથવા તેમ કરવાની તૈયારીમાં રહેલા લાખો ભારતીયો માટે દ્વિનાગરિકત્વ સંભવ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવાં કોઈ સંકેતો સાંપડ્યા ન હતા.
અમિત કાપડિયાએ જણાવ્યું હતું કે અમે સક્રિયતાની રાહ જોઈ રહ્યા છીએ. દ્વિનાગરિકત્વ માટે નવા કાયદા દાખલ કરવા અને વર્તમાન કાયદા સુધારવા સહિતના મુદ્દા સંકળાયેલા હોવાથી પ્રક્રિયા લાંબી છે અને તેમાં સમય જાય તે સમજી શકાય તેવું છે. પરંતુ આ પ્રક્રિયા શરૂ થવી જોઈએ.