લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને મુશ્કેલીગ્રસ્ત રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડમાંથી સરકારનો હિસ્સો તબક્કાવાર પાછો ખેંચી લેવાની યોજના જાહેર કરી છે. RBSમાં કરદાતાઓનો હિસ્સો અંદાજે £૭ બિલિયનની ખોટ ખાઈને વેચી દેવાશે. આ નિર્ણયને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીનું સમર્થન છે. લેબર સરકારે ૨૦૦૮ની નાણાકીય કટોકટીમાં બેન્કને મુશ્કેલીમાંથી ઉગારવા કુલ £૪૫.૮ બિલિયનમાં ૭૮ ટકા હિસ્સો ખરીદ્યો હતો.
ચાન્સેલર ઓસ્બોર્ને મેન્શન હાઉસના વાર્ષિક સંબોધનમાં આ જાહેરાત કરી હતી. કેટલાંક વર્ષો સુધી ચાલનારી પ્રક્રિયામાં સરકારી હિસ્સાનું પ્રારંભિક વેચાણ સિટીની મોટી સંસ્થાઓને કરાશે, જ્યારે કેટલાક શેરનું વેચાણ ખાનગીકરણની ૧૯૮૦ની સ્ટાઈલમાં પ્રજાને સીધું જ કરવામાં આવશે. ચાન્સેલરે કહ્યું હતું કે RBS ને સરકારના હિસાબોમાંથી દૂર કરવાથી બેન્ક અને અર્થતંત્રને વ્યાપક લાભ થશે. સરકારે RBSને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. હવે બેન્કે સરકાર પર આધાર રાખ્યા વિના પોતાનું કોમર્શિયલ બેન્ક તરીકે પુનઃનિર્માણ કરવાનું રહેશે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ જણાવ્યું હતું કે આ વેચાણ નાણાકીય સ્થિરતા, વધુ સ્પર્ધાત્મક બેન્કિંગ સેક્ટર અનેઅર્થતંત્રના વ્યાપક હિતમાં છે.
મર્ચન્ટ બેન્કર ધ રોથ્સચાઈલ્ડ રિપોર્ટ અનુસાર સરકારી હિસ્સાનું વર્તમાન મૂલ્ય માત્ર £૩૨.૪ બિલિયન છે, જે કુલ £૧૩.૪ બિલિયનની ખોટ દર્શાવે છે. જોકે દ્વારા કુલ £૬.૨ બિલિયન ફી અને ડિવિડન્ડ ચૂકવાયા હોવાથી સંભવિત ખોટ £૭.૨ બિલિયન રહે છે. અંદાજિત ખોટ દેશના દરેક કરદાતાના શિરે £૨૪૦નો બોજો લાદે છે. બેન્કિંગ કટોકટી વેળા કરદાતાઓના કુલ £૧૦૭.૬ બિલિયન બેન્કોમાં મૂકાયા હતા અને તેનો લાભ RBS, લોઈડ્ઝ, નોર્ધર્ન રોક તેમજ બ્રેડફર્ડ એન્ડ બિંગ્લી જેવી મોટી બેન્કોએ લીધો હતો.