લંડનઃ યુનાઈટેડ ઈન્ડીપેન્ડન્સ પાર્ટી (Ukip) ૩.૭ મિલિયન મત સાથે આ ચૂંટણીમાં સમગ્ર બ્રિટનમાં ત્રીજા સ્થાને રહેવા છતાં તેનો માત્ર એક સાંસદ ચૂંટાયો છે. Ukipના ડગ્લાસ કાર્સવેલ ૧૯,૬૪૨ મત સાથે ક્લેકટન બેઠક પર વિજેતા જાહેર થયા છે. આઘાતજનક હકીકત એ છે કે પક્ષનો જાણીતો ચહેરો અને નેતા નાઈજેલ ફરાજ સાઉથ થાનેટ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. પાર્લામેન્ટમાં પ્રવેશવાનો તેમનો સાતમો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે. જોકે, તેમણે વધુ પ્રયાસની શક્યતા નકારી નથી. જો કેન્ટની બેઠક પરથી નહિ ચૂંટાય તો નેતાપદેથી રાજીનામું આપી દેવાની પ્રતિજ્ઞાને અનુસરી ફરાજે રાજીનામું આપી જ દીધું હતું.
જોકે, પક્ષે તેમનું રાજીનામું નહિ સ્વીકારી નેતાપદે યથાવત રહેવા દબાણ કર્યું હતું. ફરાજે પણ તેઓ નેતૃત્વની ચૂંટણીમાં ફરી ઉભા રહી શકે છે તેમ અગાઉ જણાવ્યું હતું. અગાઉ પણ ૨૦૧૦માં ફરાજે પક્ષના નેતાપદેથી રાજીનામું આપી ફરી તે સ્થાન સંભાળી લીધું હતું. ફરાજે જણાવ્યું હતું કે તેમના જીવનમાં Ukipના વર્ચસ્વ સિવાય એક પણ દિવસ ગયો નથી અને ઓક્ટોબર ૧૯૯૩થી તેમણે પખવાડિયાનું વેકેશન પણ લીધું નથી.
કન્ઝર્વેટિવ ઉમેદવાર ક્રેગ મેક્કિન્લેના ૧૮,૮૩૮ મત સામે ફરાજને ૧૬,૦૨૬ મત મળ્યા હતા. કુલ મત હાંસલ કરવાની બાબતમાં Ukip, લિબ ડેમ્સ અને SNPથી પણ આગળ છે. છતાં તેનો માત્ર એક સાંસદ ચૂંટાયો છે તેને ધ્યાનમાં લેતા ફરાજે વર્તમાન ચૂંટણી પદ્ધતિને વખોડી કાઢી છે. સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટીના ભવ્ય વિજયે ફરાજની પાર્ટીને પાછળ રાખી દીધી છે. નોંધપાત્ર બાબત એ છે કે તેમની પાર્ટીએ કન્ઝર્વેટિવ પાર્ટીના મત તોડવાના બદલે લેબર પાર્ટી પાસેથી મત ખેંચી લીધાં છે, પરિણામે મિલિબેન્ડને ભારે નુકસાન ગયું છે.