લંડનઃ પૈસો પૈસાને ખેંચી લાવે એ ન્યાયે મલ્ટિ-મિલિયોનેર ભાઈ-બહેન અમિત પટેલ અને મીતા પટેલે તેમની ડ્રગ સપ્લાયર કંપની ઓડેન મેકેન્ઝી આઈરિશ ડ્રગ્સ ગ્રૂપ એક્ટાવિસને વેચીને ૩૦૬ મિલિયન પાઉન્ડ ઊભા કરી લીધાં છે. ઓડેન મેકેન્ઝી NHSને જેનરિક દવાઓની મુખ્ય સપ્લાયર છે. જોકે સોદામાં ઓડેન મેકેન્ઝીના પ્રોપર્ટી પોર્ટફોલિયો સામેલ નથી.
એક્ટાવિસ પટેલ ભાઈ-બહેનનો બિઝનેસ ડેટ-ફ્રી ધોરણે ખરીદવા ઉપરાંત, ઓડેન મેકેન્ઝીની મુખ્ય દવાઓના કુલ ઉત્પાદનની ટકાવારીના પ્રમાણમાં બે વર્ષ રોયલ્ટી પણ ચુકવશે. આ સોદો પૂરો થયે એક્ટાવિસ કંપનીઓને ખરીદવાનો કાર્યક્રમ આગળ વધારતાં બોટોક્સના ઉત્પાદક એલારગનને ૬૬ બિલિયન ડોલરમાં ખરીદવાની પ્રક્રિયા આગળ ધપાવશે. આ પછી, તે બ્રિટનની સૌથી મોટી જેનરિક ડ્રગ્સ સપ્લાયર કંપની બનશે.
અમિત પટેલ (૪૦) અને મીતા પટેલે (૪૨) મહત્ત્વપૂર્ણ દવાઓનાં જેનરિક સ્વરૂપની બનાવટ માટે વર્ષ ૨૦૦૦માં ઓડેન મેકેન્ઝીની સ્થાપના કરી હતી. આ કંપની હેરોઈનના બંધાણની સારવાર માટે સીનેસ્ટોન જેવી ઈન્જેક્ટેબલ પ્રોડક્ટ્સમાં વિશેષતા ધરાવે છે. ઓડેન આશરે ૧૭૫ ફાર્માસ્યુટિકલ લાઈસન્સ ધરાવે છે અને વધારાની ૪૦ ડ્રગ્સ આ માટે પાઈપલાઈનમાં છે. તેના ઉત્પાદનો ૩૦ દેશમાં વેચાય છે અને હોસ્પિટલ્સ, ફાર્મસીઝ અને હોલસેલર્સને પુરવઠો પુરો પાડે છે. તાજેતરના વર્ષોમાં આ ધંધાનો તીવ્ર ઝડપે વિકાસ થયો છે. ૨૦૧૩માં તેનો ટેક્સ અગાઉનો નફો £૨૮.૯ મિલિયન હતો તે વધીને ગયા વર્ષે £૪૨.૫ મિલિયન થયો હતો. આ જ સમયગાળામાં રેવન્યુ £૫૨.૪ મિલિયનથી વધીને £૭૭.૨ મિલિયન થઈ હતી.
અમિત પટેલે ગયા વર્ષે કહ્યું હતું કે, ‘મારે બિઝનેસ સ્કૂલમાં જવાની જરૂર પડી નથી કારણ કે હું મારા પિતાને જોઈને જ સઘળું શીખ્યો છું. નિખાલસપણે કહું તો પ્રારંભિક વર્ષોમાં ભૌતિક માલિકી મોટું પ્રેરકબળ રહ્યું હતું, પરંતુ મોટો થતો ગયો તેમ જીવનરક્ષક દવાઓ પૂરી પાડવામાં પ્રાપ્ત થતી લાગણી સૌથી સંતોષપ્રદ બની રહી છે.’
ચાર વર્ષ અગાઉ, જેનરિક ડ્રગ્સ માટે NHS પાસેથી લેવાતી કિંમતોમાં ભારે વધારાના મુદ્દે ઓડેન મેકેન્ઝીની ભારે ટીકા થઈ હતી. આ સમયે અમિત પટેલે એમ કહ્યાનું મનાય છે કે ડ્રગ્સની શું કિંમત હોય છે તેની NHSને કોઈ દરકાર નથી. તેમણે દાવો કર્યો હતો કે, ‘મારે કોઈ સમક્ષ મારા નફાને વાજબી ઠરાવવાની જરૂર નથી. મારા કરતા ઘણો વધુ નફો કરનારી કંપનીઓ પણ છે.’
મીતા પટેલ અને તેમના ભાઈ અમિત પટેલ ગયા વર્ષે ‘સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ’માં સંયુક્તપણે ૨૬૪મા ક્રમ સાથે અંદાજે £૩૬૦ મિલિયનની સંયુક્ત નેટવર્થ ધરાવતાં હતાં. ઓડેનમાં ૬૦ ટકા માલિકી ધરાવતા અમિત પટેલ અને બાકીનો હિસ્સો ધરાવતાં મીતા પટેલે £૪ મિલિયનથી વધુ ડિવિડન્ડ પેટે મેળવ્યા હતા.