લંડનઃ કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરીએ ત્રાસવાદના આરોપમાં ધરપકડ પછી પોતે નિર્દોષ હોવાની દલીલ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ કરી હતી. ચૌધરી અને મોહમ્મદ મિઝનુર રહેમાનને જામીન નકાર્યા હતા અને ૨૮ ઓગસ્ટે ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ તેમને હાજર કરાશે. વિવાદાસ્પદ મૌલવીએ કહ્યું હતું કે ડેવિડ કેમરન, પોલીસ અને કોર્ટ જ ખરેખર દોષિત છે. ચૌધરીએ ત્રાસવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટને સમર્થન આપવા માટે ઓનલાઈન સંદેશાઓ જારી કર્યા હતા.
તેણે દાવો કર્યો હતો કે તેની સામેના આરોપ અને ધરપકડ મુસ્લિમ અવાજને ચૂપ કરવાની રાજકીય પ્રયુક્તિઓ છે અને તે કોર્ટમાં ખુદ પોતાનો બચાવ કરશે. ઈસ્ટ લંડનના ઈલફર્ડના અને પાકિસ્તાની મૂળના ૪૮ વર્ષીય ચૌધરી અગાઉ ચુસ્ત મુસ્લિમ ન હતા. તેઓ સાઉધમ્પ્ટન યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રના વિદ્યાર્થી હતા ત્યારે ‘એન્ડી’ નામે વધુ જાણીતા હતા અને આલ્કોહોલ પીતા હોવાની તેની તસ્વીરો પણ છે. સોલિસિટર તરીકે ક્વોલિફાઈડ અંજેમ શરિયત કાયદાના નિષ્ણાત હોવાનો દાવો કરે છે.