લંડનઃ આઈઝલવર્થ ક્રાઉન કોર્ટે માર્ગ ટ્રાફિક અથડામણ અને ન્યાયને ગેરમાર્ગે દોરવા બદલના ગુનામાં જસદીપ મુંજાલ અને સુનેજા ભનોટને જેલની સજા ફરમાવી હતી. અકસ્માતમાં વૃદ્ધ મહિલાને ઈજા અને કારને નુકસાનના ગુનામાં મુંજાલને ૩૬ મહિનાની જેલ તેમજ ૩ વર્ષ સુધી ડ્રાઈવિંગ માટે ગેરલાકાતની સજા કરાઈ હતી, જ્યારે સુનેજા ભનોટને બે વર્ષ માટે સસ્પેન્ડ રખાયેલી ૧૮ મહિનાની જેલની સજા ઉપરાંત ૧૮૦ કલાક અવેતન કાર્યની સજા થઈ હતી. બંનેએ પોતાના ગુના કબૂલી લીધા હતા.
અકસ્માતની ઘટના ૭ ઓગસ્ટ ૨૦૧૫ની હતી. ૭૯ વર્ષની મહિલા પોતાના વાહનમાં હાર્લિંગ્ટનથી પસાર થઈ રહી હતી ત્યારે સામેની દિશાએથી આવતા મુંજાલે વાહનને ટક્કર મારી હતી. પોતાની કારને નુકસાન થવા છતાં તે ઘટનાસ્થળેથી ચાલ્યો ગયો હતો અને નજીકના સ્થળે કાર છોડી દીધી હતી. પોલીસને કાર મળી આવતા રેકોર્ડ પરથી જસદીપ મુંજાલનું નામ મળ્યું હતું. વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મુંજાલે પોલીસને તેની કાર ચોરાઈ ગયાનું જણાવી તેમજ તે દિવસે સુનેજા ભનોટના ઘેર હોવાથી અથડામણ વિશે કોઈ જાણકારી ન હોવાનું જણાવી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. ભનોટે પણ મુંજાલ તેની સાથે હોવાનું સ્ટેટમેન્ટ પોલીસને આપ્યું હતું. મુંજાલને જોખમી ડ્રાઈવિંગ માટે ૧૮ મહિના તેમજ ન્યાયને ગેરમાર્ગે દોરવા બદલ ૧૮ મહિનાની જેલ થઈ હતી.