કોરોનાની મહામારીને કારણે સરકારી નિયમોનું પાલન કરવાની પ્રતિબધ્ધતાને લઇને સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુ.કે.) દ્વારા મંગળવારે (૧૫ ડિસેમ્બરે) સરદાર પટેલની ૭૦મી પૂણ્યતિથિ ઓનલાઇન ઝૂમ દ્વારા ઉજવવામાં આવી.
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી-યુ.કે.ના પ્રમુખ સી.બી. પટેલ, સેક્રેટરી કૃષ્ણાબેન પૂજારા તથા ટ્રસ્ટીમંડળ દ્વારા ઓનલાઇન (Zoom)દ્વારા સ્મરણાંજલિ આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના સભ્યો સહિત બ્રિટનભરમાંથી સેંકડો લોકો જોડાયા. ઓનરરી સેક્રેટરી કૃષ્ણાબહેન પૂજારાએ ઓનલાઇન કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરી મુખ્ય અતિથિ વિશેષ તરીકે ભારત સરકારના યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ મનસુખભાઇ માંડવીઆ, બ્રિટનના પૂર્વ ભારતીય હાઇકમિશ્નર રૂચિ ઘનશ્યામ, વિખ્યાત હાસ્યકલાકાર, ગઝલકાર, ભજનિક સાંઇરામ દવેને આમંત્રિત કર્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સાંઇરામના "સૌના સરદાર" ગીત "વલ્લભ તારી હિંમત વખાણું, કે પછી તારી સમજ વખાણું"થી થઇ.
લોકપ્રિય રેડિયો પ્રેઝન્ટર રવિ શર્માએ સરદાર પટેલને અંજલિ આપી લોર્ડ રેમી રેન્જરનો પરિચય આપતાં કહ્યું કે, “જેણે સરદારના કાર્યને બહુ નજીકથી જોયું છે, પાકિસ્તાનમાં જેમનો જન્મ થયો એ પછી ભારતના ભાગલા થતાં માર-કાપને બાળ નજરે દીઠી, એ કષ્ટદાયી, દુ:ખદ પીડાનો જે ભોગ બન્યા એ લોર્ડ રેમી રેન્જરના ચેરમેનપદે આજનો શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો છે. લોર્ડ રેમીજીએ રવિ શર્માની આગવી શૈલીની પ્રશંસા કરી દિલ્હીથી ખાસ ઉપસ્થિત ભારતના યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ મનસુખભાઇ માંડવીઆને આવકારતાં લોર્ડ રેમીજીએ કહ્યું કે, “હમ લાયે હૈ કિસ્તી કો તુફાન સે નિકાલ કે, અબ દેશ કો રખના મેરે યારોં સંભાલ કે". અમે વિદેશમાં રહીએ છીએ પણ અમારું દિલ ભારતમાં રહે છે. આજે આપને એક એવા નેતાને યાદ કરવા જઇ રહ્યા છે જેઓએ અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. ઇન્ડિયન ડાયાસ્પોરાને એક કરી, કન્ઝર્વેટીવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાને સપોર્ટ કર્યો એ બદલ પૂર્વ હાઇકમિશ્નર રૂચિ ઘનશ્યામનો રેમીજીએ આભાર માન્યો. તેમણે જણાવ્યું કે, ભારત અને બ્રિટન વચ્ચે અતૂટ નાતો રહેશે, વડાપ્રધાન બોરિસ જહોનસન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હ્યુમન રાઇટ્સ અને ફ્રી ટ્રેડ અંગે વાટાઘાટો કરશે.”
કૃષ્ણાબેન પૂજારાએ પૂર્વ હાઇકમિશ્નર રૂચિ ઘનશ્યામની પ્રસંશા કરતાં જણાવ્યું કે, "રૂચિ ઘનશ્યામ એક વિચક્ષણ મહિલા છે. તેઓ ઇસ્લામાબાદ તથા આફ્રિકા ખાતે પ્રથમ મહિલા ડિપ્લોમેટ તરીકે નિયુક્ત થયાં હતાં. બ્રિટનમાં પણ વર્ષો બાદ એક મહિલા તરીકે ભારતીય હાઇકમિશ્નર પદે રહીને તેમણે પ્રશંસનીય ફરજ બજાવી છે." નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ-યુ.કે.ના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરાએ યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ મનસુખભાઇ માંડવીઆનો પરિચય આપતાં જણાવ્યું કે, તેઓ ભારત સરકારના મિનિસ્ટર ઓફ સ્ટેટ (ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ) ફોર મિનિસ્ટ્રી ઓફ પોર્ટસ, શિપીંગ એન્ડ વોટરવેઝ અને મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર કેમીકલ એન્ડ ફર્ટીલાઇઝર મનસુખભાઇ ૩૮ વર્ષની વયે રાજ્યસભાના સભ્ય બન્યા હતા. પાલીતાણાની બેઠક પરથી ચૂંટાયેલા અને ભાવનગરની કોલેજમાં ડિગ્રી મેળવનાર મનસુખભાઇએ કન્યા શિક્ષણ અને "બેટી બચાવો, બેટી પઢાવો" અને વ્યસન મુક્તિ અભિયાન માટે ૧૨૭ કિ.મીટર અને ૧૨૩ કિ.મીટરની પદયાત્રા કરી છે.”
મનસુખભાઇ માંડવીઆએ એમના વક્તવ્યમાં જણાવ્યું કે, “વિદેશમાં સરદાર પટેલને યાદ કરી એમની પૂણ્યતિથીએ શ્રધ્ધાંજલિ અર્પવામાં આવે છે એ ગૌરવની વાત છે. સરદારને સાચી શ્રધ્ધાંજલિ ત્યારે આપી કહેવાય જ્યારે આપણે સૌ એમના ચીંધ્યા માર્ગે ચાલવાનું પ્રણ લઇએ. મારા જીવનમાં સ્વામી વિવેકાનંદ અને સરદારને મારા પ્રેરણાત્મક ગણું છું. એમના સંદર્ભમાં વાંચેલા પુસ્તકમાં લખેલું છે જે ઘણાએ વાંચ્યું નહિ હોય. સરદાર બહુ સરસ શિષ્ય હતા. ગાંધીજી પ્રત્યે એમનો ગુરૂભાવ હતો. ગાંધીજીના કહેવાથી એમના જીવનમાં કેટલાક સમર્પણ થયાં. ભારતના વડાપ્રધાન પદ માટે સરદારનું નામ સર્વત્રથી સૂચવાયું પણ ગાંધીજીએ નહેરૂ હોય તો સારું રજૂઆત કરતાં સરદાર સમર્પિત થઇ ગયા હતા. સાદગી અને સમર્પણભાવ ધરાવનાર સરદાર કયારેય ફ્રંટ લાઇનમાં ના હોય, કોંગ્રેસનું અધિવેશન હોય ત્યારે સરોજીની નાયડુને ભોજન પછી અચૂક પાન જોઇએ જ એની વ્યવસ્થા કરવી, મૌલાના આઝાદને ઘી વગરની રોટલી જોઇએ એની તમામ ચોકસાઇ સરદાર રાખતા એટલું જ નહિ પણ અધિવેશન પૂરું થાય ત્યારે સૌને પૂછતા કે વ્યવસ્થામાં મારી કોઇ કચાશ તો રહી ગઇ નથી ને? ગાંધીજીએ દાંડીકૂચ કરી એમાં સરદાર પટેલનો કયાંય કોઇ ફોટો જોવા મળતો નથી. દાંડીકૂચમાં સરદારનો મહત્વનો રોલ હતો પણ એ ફોટો પડાવવા કયારેય પહેલી હરોળમાં જોવા મળતા નથી. દાંડીકૂચ માટે "અરુણ" ટૂકડી બનાવેલી એમાં ગાંધીજીની અગાઉની વ્યવસ્થા માટે આ ટૂકડી કામ કરતી અને એ ટૂકડીનું નેતૃત્વ સરદાર કરતા. એક વખત ગાંધીજી અને નહેરુ સાથે મિટીંગ ચાલતી હતી એ વખતે સરદાર આંખો મીંચી ઉંઘતા હોય એવું લાગતાં કોઇકે ટકોર કરી કે સરદાર તો ઉંઘે છે. એ વખતે સરદારે કહ્યું કે, “કાશ્મીર કયારે લેવાનું છે એનો હું વિચાર કરી રહ્યો છું". મનસુખભાઇએ બીજો એક પ્રસંગ સિંધ પ્રોવીન્સના નેતા મહેરચંદ ખન્નાને પકડી પાકિસ્તાનની જેલમાં નાખ્યા એ વખતે તેઓને છોડાવવા સરદારે લીઆકત અલીખાનને ચીમકી આપતો કેવો પત્ર પાઠવ્યો એ પ્રસંગને પણ સરસ વર્ણવ્યો.
મનસુખભાઇએ કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ સરદારનું સ્વપ્ન પૂરું કરવાની જિમ્મેદારી લીધી છે. “કાશ્મીર હમારા હૈ" કહેનારાઓ આર્ટીકલ ૩૭૦ હટાવાશે તો લોહીની નદીઓ વહેશે પરંતુ મોદીજીએ લોહીનું ટીપું વહાવ્યા વિના આર્ટીકલ ૩૭૦ હટાવી સરદારનું સ્વપ્ન પૂરું કર્યું છે.” અંતમાં મનસુખભાઇએ જણાવ્યું કે સી.બી. પટેલને હું ઘણીવાર મળ્યો છું, આજે મારે દિલ્હીથી ગુજરાત જવાનું હોવા છતાં હું આ કાર્યક્રમમાં હાજર રહ્યો, સૌને જોઇ શક્યો એનો આનંદ છે.”
સી.બી. પટેલે મનસુખભાઇને અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફલાઇટની ઝુંબેશમાં સહકાર આપ્યો હતો એ યાદ કરીને કહ્યું કે, “એરઇન્ડિયાની લંડન-અમદાવાદ ડાયરેકટ ફલાઇટ" શરૂ થયાને આજે પાંચ વર્ષ પૂરાં થયાં.” રાજકોટથી સાંઇરામ દવેએ સરદારને આગવી શૈલીમાં અંજલિ આપીને જણાવ્યું કે, સરદારના શરીરને શાંત થયાને ૭૦ વર્ષ થયાં પણ હજુ સરદાર સૌના હૈયે અમર છે. સી.બી. સાહેબે અને કૃષ્ણાબહેને મને યાદ કર્યો અને અખંડ ભારતના ઘડવૈયાને અંજલિ આપવા આમંત્રણ આપ્યું એથી હું મારી જાતને ધન્ય ગણું છું. સાંઇરામે કહ્યું, “વલ્લભ બનીને આવ્યો તું સરદાર, પિતા ઝવેરભાઇનો તું લાડકવાયો". આપ સૌને કદાચ ખબર નહિ હોય કે સરદાર પટેલના પિતા ઝવેરભાઇ પટેલ ઝાંસીની રાણીના લશ્કરના એક સૈનિક હતા, એવા પિતાના પુત્રને કેવા સંસ્કાર મળ્યા હોય?. રાજનીતિમાં સાધુ પુરુષ સરદાર, ભારતના નાયબ પ્રધાન-ગૃહમંત્રી સરદારની ચિરવિદાય થઇ ત્યારે એમનું બેંક બેલેન્સ ૨૬૩ રૂપિયા અને ચાર જોડી કપડાં અને એક બોલ પેન હતી! સરદારનો સમર્પણ ભાવ કેવો? ઇંગ્લેન્ડથી વી. ઝેડ. પટેલને સ્કોલરશીપનો લેટર આવ્યો ત્યારે મોટાભાઇ વિઠ્ઠલભાઇએ ઇંગ્લેન્ડ ભણવા જવાની ઇચ્છા વ્યક્ત કરતાં સરદારે સ્કોલરશીપ ભાઇને અર્પણ કરી મોટાભાઇ વી.ઝેડ.ને વધુ અભ્યાસાર્થે ઇંગ્લેન્ડ જવાનો ચાન્સ આપ્યો હતો.”