લંડનઃ બ્રેક્ઝિટના અગ્ર પ્રચારક અને લંડનના પૂર્વ મેયર બોરિસ જ્હોન્સનની વડા પ્રધાનપદે આસીન થવાની મહત્ત્વાકાંક્ષા આખરે ધૂળમાં મળી ગઈ છે. અન્ય બ્રેક્ઝિટતરફી અને જ્હોન્સનના સમર્થક મનાતા જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડા પ્રધાનપદ માટે પોતાની ઉમેદવારી જાહેર કરવા સાથે બોરિસનું પત્તું કપાઈ ગયું છે. ટોરી પાર્ટીના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ સર લિન્ટન ક્રોસ્બીએ ગોવની ઉમેદવારીના સમાચાર જ્હોન્સનને આપવા સાથે સ્પર્ધામાંથી ખસી જવાની સલાહ પણ આપી હતી. જ્હોન્સન પોતાના પ્રચાર અભિયાનનો આરંભ કરવાના હતા તે પૂર્વે જ જસ્ટિસ સેક્રેટરીએ બોમ્બશેલ ફોડ્યો હતો. આ પછી, સર લિન્ટન, પત્ની મારિયા અને અંગત સહાયકો સાથે પરામર્શ પછી બોરિસ જ્હોન્સને સ્પર્ધામાં નહિ ઝૂકાવવાનો નિરાશપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો.
જોકે, છેક છેલ્લી ઘડી સુધી તેમના નિર્ણયની કોઈને જાણ કરાઈ ન હતી. તેમને સમર્થન આપનારા સાંસદોને પણ આ નિર્ણયની જાણ ન હતી. બોરિસના પ્રચારના આરંભ માટેના કાર્યક્રમમાં પત્રકારો હાજર થયા હતા. બોરિસે તેમની સાથે વાત પણ કરી હતી. બોરિસે સંબોધનની આખરે કહ્યું હતું કે‘મારે તમને કહેવું જોઈએ કે તમે આ સ્પીચમાં પંચલાઈનની રાહ જુઓ છો તો સાથીઓ સાથે પરામર્શ અને પાર્લામેન્ટમાં વર્તમાન સંજોગો જોતાં વડા પ્રધાન તરીકે હું નહિ હોઉં તેવો નિર્ણય મેં લીધો છે.’ આ જાહેરાત સાથે સમર્થકો અને પત્રકારોમાં સોપો પડી ગયો હતો. બીજી તરફ, માઈકલ ગોવે સમર્થન જાહેર કર્યા પછી જ્હોન્સનની પીઠમાં ખંજર ભોંક્યુ હોવાની ચર્ચા થઈ રહી છે ત્યારે જ્હોન્સનના આ નિર્ણયની બોરિસે પક્ષમાં વિભાજન સર્જ્યું હોવા સહિત ભારે ટીકાઓ પણ થઈ છે.
જ્હોન્સનની કેમ્પેઈન હાથ લેનારા સર લિન્ટને જણાવ્યું હતું કે સ્પર્ધામાંથી તત્કાળ ખસી જવું જ હિતાવહ અને ગૌરવપ્રદ ગણાશે. ગોવે સર લિન્ટનને ફોન કરી તેઓ જ્હોન્સનને ટેકો પાછો ખેંચી રહ્યા હોવાની જાણ કરી હતી. ગોવે નિવેદન કરી બ્રેક્ઝિટ પ્રત્યે જ્હોન્સનની પ્રતિબદ્ધતા સામે પ્રશ્ન ઉઠાવી તેઓ વડા પ્રધાનપદ માટે લાયક નહિ હોવાનું જણાવ્યું હતું. નવાઈની વાત એ છે કે તાજેતરમાં જ ગોવે એક ઈન્ટર્વ્યૂમાં રાજકારણી તરીકે પ્રશંસા કરી હતી. તેમણે નવા નિવેદનમાં જણાવ્યું હતું કે,‘બોરિસ સિવાયનો કોઈ પણ ઉમેદવાર એકતાના નિર્માર્ણ માટે યોગ્ય ગણાશે.’ ગોવે સ્પર્ધામાં ઝૂકાવ્યા પછી તુરત જ સ્કિલ્સ મિનિસ્ટર નિક બોલ્સ અને ડોમિનિક રાબે તેઓ હવે જ્હોન્સનને સમર્થન આપતા નહિ હોવાનું જણાવ્યું હતું.
ટોરી પાર્ટીની ૧૯૨૨ કમિટીના ચેરમેન ગ્રેહામ બ્રેડી પણ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદની ઉમેદવારીના નોમિનેશન માટે કોમન્સમાં રાહ જોતા બેઠા હતા, પરંતુ જ્હોન્સનની છાવણીમાંથી કોઈ સમર્થક બપોર સુધીની સમયમર્યાદામાં ત્યાં ફરક્યા ન હતા. ટોરી નેતાપદ માટે ફેવરિટ ગણાયેલા બોરિસ જ્હોન્સન માટે ૮૧ ટોરી સાંસદો દ્વારા નોમિનેશન કરાયું હતું, જે તેમના હરીફો કરતા સૌથી વધુ છે. જોકે, વડા પ્રધાન બનવાની તેમની આશા ધૂળમાં મળી છે ત્યારે તેઓ રાજકારણ નહિ છોડે અને કદાચ કેબિનેટમાં જોડાઈ શકે તેમ પણ અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું.