લંડનઃ સેક્સ વર્કર અનિતા કપૂરની હત્યાના ૩૪ વર્ષીય આરોપી નવીન મોહને હત્યાનો આરોપ નકારતા મંગળવાર, ૨૪ નવેમ્બરે જ્યુરી સમક્ષ સમક્ષ જણાવ્યું હતું કે અનિતા કપૂરનો દલાલ તેને બ્લેકમેઈલ કરી રહ્યો હતો. અનિતા કપૂરનો મૃતદેહ આ વર્ષના જૂનમાં A413 કેરેજવે નજીકની ઝાડીઓમાં ગળું દબાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ટ્રાયલ હજુ ચાલી રહી છે.
આરોપીએ બર્કશાયરમાં રીડિંગ ક્રાઉન કોર્ટ સમક્ષ સમક્ષ જણાવ્યું હતું તેણે સેક્સ વર્કર સાથે સેક્સ માટે કિંમત નક્કી કરી હતી પરંતુ તેના બોયફ્રેન્ડ સ્ટેન્લી ફ્લેન્ડર્સે તેને ૩૦૦ પાઉન્ડ ન અપાય તો પોલીસ પાસે જવાની ધમકી આપી હતી. ફ્લેન્ડર્સ સામે અનિતાના દલાલ હોવાનો આરોપ છે. તેને ૫૦ પાઉન્ડ આપવાની તૈયારી આરોપીએ અનિતા સાથે વાતચીતમાં દર્શાવી હતી. જોકે, અનિતાએ સંપૂર્ણ રકમ આપવી પડશે તેમ સ્પષ્ટ જણાવતા તેને કારમાંથી ઉતરી જવા જણાવ્યું હતું. અનિતા કારમાંથી ઉતરી અદૃશ્ય થઈ ગઈ હોવાનું મોહને કહ્યું હતું.
પ્રોસિક્યુશને આરોપ લગાવ્યો હતો કે સાઉથોલના મોહને અનિતા કપૂરનું ગળું દબાવી મારી નાખ્યા પછી તેના શરીરને ફેંકી દીધું હતું. ટ્રક ડ્રાઈવરને મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરી હતી. મોહનની ડીએનએના અંશ અનિતાના ગળા પરથી મળી આવ્યા હતા. બીજા દિવસ ૨૪ જૂને તેની ધરપકડ કરાઈ હતી. ફ્લેન્ડર્સે જણાવ્યું હતું કે તેણે અનિતાને ફોન કર્યો ત્યારે તે પોતાના જીવનની ભીખ માગતી હોવાનું સંભળાયું હતું.