લંડનઃ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ૨૦૧૦માં હનીમૂન પર ગયેલી ૨૮ વર્ષીય અની દેવાણીની હત્યા પરથી સંપૂર્ણ પડદો ઉઠવાની હિન્ડોચા પરિવારની આશા પર પાણી ફરી વળ્યું છે. લંડનમાં ૯ સપ્ટેમ્બરે પ્રાથમિક સુનાવણીમાં કોરોનર એન્ડ્રયુ વોકરે અની દેવાણીના મૃત્યુની સંપૂર્ણ તપાસ નહિ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ પછી, અનીના હિન્ડોચા પરિવારે પતિ શ્રીયેન દેવાણીને ‘મર્દાનગી દાખવી મૃત્યુ અંગે હકીકત જણાવવા’ પડકાર ફેંક્યો છે. ગયા વર્ષે કેપ ટાઉન કોર્ટે દેવાણી સામેની ટ્રાયલને વિરોધાભાસી સાક્ષીઓના કારણે ફગાવી દીધાં પછી શ્રીયેનને હત્યાના આરોપમાં મુક્ત કરાયો હતો. શ્રીયેને હત્યામાં પોતાની કોઈ જ ભૂમિકા નહિ હોવાનું સતત રટણ કર્યું હતું.
નોર્થ લંડન કોરોનર કોર્ટના કોરોનર એન્ડ્રયુ વોકરે પ્રી-ઈન્ક્વેટ સુનાવણીમાં અની દેવાણીના મૃત્યુ સંબંધે સંપૂર્ણ ઈન્ક્વેટ ન યોજવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. કોરોનરે હિન્ડોચા પરિવારને જણાવ્યું હતું કે,‘પોતાને ગુનેગાર ઠરાવી શકે તેવા પ્રશ્નોનો ઉત્તર નહિ આપવાનો શ્રીયેન દેવાણીને અધિકાર છે. અની દેવાણીનું મૃત્યુ કેવી રીતે થયું તેની ઈન્ક્વેસ્ટ યોજવામાં નહિ આવે. તમારા પ્રશ્નો દેવાણીને મોકલી આપવામાં આવશે. આ પ્રશ્નોના ઉત્તર આપવા પોતે તૈયાર છે કે કેમ તે દેવાણી જણાવશે.’
સાઉથ આફ્રિકાની કોર્ટે ટ્રાયલ ફગાવી દીધા પછી લંડનમાં અનીના મૃત્યુની ઈન્ક્વેસ્ટમાં શ્રીયેન દ્વારા જાહેર ખુલાસો કરાય તેવી આશા હિન્ડોચા પરિવારને હતી. અની દેવાણીના પિતા વિનોદ હિન્ડોચાએ કોર્ટની બહાર જણાવ્યું હતું કે,‘શ્રીયેને મર્દ બની તેને યાદ રહેલી ઘટનાઓનો સંપૂર્ણ ખુલાસો જાહેરમાં કરવો જોઈએ.’ કાકા અશોક હિન્ડોચાએ ઉમેર્યું હતું કે,‘પતિ શ્રીયેન દેવાણી અમારો પરિવાર વધુ પીડા સહન કરે તેમ ઈચ્છતો હોય અને તેમાં તેને આનંદ આવતો હોય તો તે પ્રશ્નોના જવાબ નહિ આપે. હું વિશ્વની કોઈ ન્યાયપદ્ધતિ પર ટીકા નહિ કરું, પરંતુ એટલું કહીશ કે અનીને દક્ષિણ આફ્રિકામાં યોગ્ય ન્યાય મળ્યો નથી.
સાઉથ આફ્રિકાના કેપ ટાઉનના સબર્બમાં ૧૩ નવેમ્બર, ૨૦૧૦ના દિવસે કરાયેલી અનીની હત્યા અંગે ત્રણ વ્યક્તિને જેલની સજા થઈ હતી. આરોપીઓએ શ્રીયેન દેવાણીએ જ અનીના અપહરણ અને હત્યાનું ષડયંત્ર ઘડ્યાનો આક્ષેપ કર્યો હતો. બ્રિસ્ટલના ૩૪ વર્ષીય ઉદ્યોગપતિ અને અનીના પતિ શ્રીયેને સાઉથ આફ્રિકામાં પ્રત્યાર્પણ વિરુદ્ધ યુકેની કોર્ટમાં ચાર વર્ષ કાનૂની લડાઈ આપી હતી. આ પછી, ટ્રાયલમાં શ્રીયેનને જુબાની આપવાની ફરજ પડાઈ ન હતી અને વિરોધાભાસી જુબાનીઓ અને અપૂરતા પુરાવાઓના કારણે જજે ગત ડિસેમ્બરમાં કેસ ફગાવી દીધો હતો.