લંડનઃ અની દેવાણીની ૨૦૧૦માં કરાયેલી હત્યાના કેસમાં ઘણાં પ્રશ્નો અનુત્તર રહ્યાની અનીનાં પરિવારની વિનંતી છતાં બ્રિટિશ કોરોનર એન્ડ્રયુ વોકરે ઈન્ક્વેસ્ટ આગળ નહિ વધારવા નિર્ણય જાહેર કર્યો છે. નોર્થ લંડન કોરોનર્સ કોર્ટ ખાતે ચુકાદામાં તેમણે કહ્યું હતું કે ઈન્ક્વેસ્ટને આગળ વધારવા પૂરતાં કારણો નથી. સાઉથ આફ્રિકાની ટ્રાયલમાં બ્રિસ્ટલના ૩૪ વર્ષીય મિલિયોનેર બિઝનેસમેન શ્રીયેન દેવાણીને કેપ ટાઉનમાં હનીમૂન પર પત્ની અનીની હત્યાના આરોપમાંથી મુક્તિ અપાઈ હતી.
સાઉથ આફ્રિકાની ટ્રાયલમાં શ્રીયેને કોઈ જુબાની આપી ન હતી. સાક્ષીઓના વિરોધાભાસી નિવેદનો તેમ જ પુરાવાના અભાવે મુક્તિ પછી પણ હત્યાના સંજોગો વિશે જાહેરમાં કોઈ હરફ ઉચ્ચાર્યો નથી. ૨૮ વર્ષીય અનીનાં પરિવારે સતત દલીલો કરી છે કે હત્યા સંબંધિત ઘણાં પ્રશ્નો અનુત્તર છે. સંપૂર્ણ ઈન્ક્વેસ્ટની માગણી અંગે કોરોનરે જણાવ્યું હતું કે કોઈ નવા પુરાવા આવે તો પરિવાર એટર્ની જનરલનો સંપર્ક કરી આ બાબત ફરી ઉખેળવા વિનંતી કરી શકે છે
શ્રીયેન દેવાણીએ સુનાવણીમાં હાજરી આપી ન હતી, પરંતુ તેણે લખેલો પત્ર અનીના પિતા વિનોદ હિન્ડોચા અને કાકા અશોક હિન્ડોચાએ વાંચી સંભળાવ્યો હતો. કોર્ટ બહાર અશોક હિન્ડોચાએ કહ્યું હતું કે,‘પરિવાર પાસે હજુ વિકલ્પો છે અને તેમની લડાઈ ચાલુ જ રહેશે.’ તેમણે શ્રીયેનને સત્ય જણાવવા ફરી અનુરોધ કર્યો હતો. અનીની હત્યા સંબંધે ઝોલા ટોન્ગો, મ્ઝિવામડોડા ક્વાબે અને ઝોલિલે મ્નજેનીને જેલની સજા કરાઈ છે.