લંડનઃ મુંબઈમાં જન્મેલા ખ્યાતનામ બ્રિટિશ શિલ્પી અનીશ કપૂરને ૧ મિલિયન ડોલરનું ઈઝરાયેલી પ્રાઈઝ એનાયત થયું છે. યહૂદીઓના મૂલ્યો દર્શાવતી કલાના માનમાં આ સન્માન થયું હોવાનું સમિતિએ જણાવ્યું હતું. ઈઝરાયેલના જીનીસીસ પ્રાઈઝે આ વર્ષના પ્રતિષ્ઠિત ઈઝરાયેલી પ્રાઈઝ માટે ભારતીય મૂળના બ્રિટિશ શિલ્પી અનીશ કપૂરની પસંદગી કરી છે.
એક નિવેદનમાં સમિતિએ કહ્યું હતું કે અનીશ કપૂર વર્તમાન સમયના સૌથી પ્રભાવશાળી અને ઈનોવેટિવ કલાકાર છે અને તેમના લાંબાં સમયના પ્રદાનને ધ્યાનમાં રાખીને આ પુરસ્કાર માટે તેમની પસંદગી કરવામાં આવી છે. જ્યુઈશ માતા અને ભારતીય પિતાના સંતાન અનીશ કપૂરે કહ્યું હતું કે આ પુરસ્કારની રકમ રેફ્યુજી ક્રાઈસિસ નિવારવા કાર્યરત સંસ્થાઓને દાન કરી દેવાશે.