આપણામાં કહેવાય છે ને કે ઘણી વખત શિકારી ખુદ શિકાર બની જાય છે. ઇસ્ટ લંડનના હોર્નચર્ચ કંટ્રી પાર્કમાં આવું જ બન્યું હતું. ખીસકોલી જેટલા કદના નાનકડા 'વિઝલ'એ શિકાર કરવા માટે લક્કડખોદ પક્ષી પર તરાપ તો મારી હતી, પરંતુ કદમાં વિરાટ લક્કડખોદે ગભરાઇને ઉડાન ભરતા 'વિઝલ' માટે મુસીબત થઇ ગઇ હતી. પોતાની પીઠ પર સવાર 'વિઝલ'ને લઇને જ લક્કડખોદ ઉડી ગયું હતું.
પત્ની એન સાથે ચાલવા માટે ગયેલા માર્ટીન લી-મે નામના તસવીરકારે લક્કડખોદની ચિસો સાંભળતા જ વીજળી ઝડપે આ તસવીર લઇ લીધી હતી. જેમાં ગભરાયેલા લક્કડખોદ પક્ષી પર ઉડાન ભરતું 'વિઝલ' નજરે પડે છે. આ વિઝલ સામાન્ય રીતે ઉંદર અને નાનકડા સસલા જેવા પ્રાણીઅોનો શીકાર કરી શકે છે. નાનકડા કદ અને શરીરની ગરમીને કારણે 'વિઝલ' વારંવાર ભુખ્યુ થઇ જાય છે. બની શકે છે મોટો હાથ મારવાના ઇરાદે તેણે હિંમત બતાવીને શરીરમાં મોટા લક્કડખોદ પર આક્રમણ કર્યું હશે?