લંડનઃ સ્વાનસી યુનિવર્સિટીના ધ સ્ટુડન્ટ સેક્સ વર્ક પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર યુનિવર્સિટી અભ્યાસનું દેવું ઓછું કરવા તેમ જ જીવનનિર્વાહનો ખર્ચ કાઢવા ૨૦માંથી એક વિદ્યાર્થી સેક્સ માટે પોતાનું શરીર વેચવા તરફ વળે છે. નોંધપાત્ર બાબત એ છે કે અભ્યાસ દરમિયાન સેક્સ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી સ્ત્રીઓની સરખામણીએ પુરુષોની સંખ્યા વધુ હોય છે.
ધ સ્ટુડન્ટ સેક્સ વર્ક પ્રોજેક્ટ રિપોર્ટ જણાવે છે કે અભ્યાસ દરમિયાન સેક્સની કામગીરીમાં વેશ્યાવૃત્તિથી માંડી એસ્કોર્ટિંગ, સ્ટ્રીપિંગ અને ઈન્ટરનેટનો સમાવેશ થાય છે. સંશોધકોએ યુકેની વિદ્યાર્થી વસ્તીમાં હજારોની સંખ્યામાં સેક્સપ્રવૃત્તિમાં સંકળાયેલા વિદ્યાર્થીઓને મદદરુપ બનવા યુનિવર્સિટીઓને હાકલ કરી છે.
બિગ લોટરી ફંડ દ્વારા ભંડોળ અપાયેલા અભ્યાસમાં ૬,૭૫૦ વિદ્યાર્થીને આવરી લેવાયા હતા, જેમાંથી પાંચ ટકા પુરુષ અને ૩.૫ ટકા સ્ત્રીએ તેમણે સેક્સ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે ૨૨ ટકાએ આમ કરવા વિચાર્યું હોવાનું કહ્યું હતું. પ્રતિભાવ આપનારામાંથી આશરે ૬૬ ટકાએ તેમની લાઈફસ્ટાઈલનો ખર્ચ કાઢવા, જ્યારે ૫૬ ટકાએ પાયાનો જીવનખર્ચ કાઢવા અને ૪૦ ટકાએ અભ્યાસક્રમના અંતે દેવું ઘટાડવાના હેતુથી આ કાર્યમાં સંકળાયા હોવાનું જણાવ્યું હતું. હાયર એજ્યુકેશન સ્ટેટેસ્ટિક્સ એજન્સીના આંકડા મુજબ ૨૦૧૨-૧૩માં યુકેમાં વિદ્યાર્થીઓની વસ્તી ૨.૩ મિલિયન હતી.
અભ્યાસનું નેતૃત્વ કરનારા ડો. ટ્રેસી સાગરે જણાવ્યું હતું કે,‘સમગ્ર યુકેમાં વિદ્યાર્થીઓ સેક્સ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત હોવાના મજબૂત પુરાવા અમારી પાસે છે. બહુમતી વિદ્યાર્થીઓ સામાજિક કલંક તેમ જ પરિવાર અને મિત્રોમાં છબી ખરડાવાના ડરે પોતાની કામગીરી ગુપ્ત રાખે છે. આ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત તમામ વિદ્યાર્થીઓ સલામત નથી તે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ.’