અમદાવાદઃ સ્વાતંત્ર્ય દિન પર્વથી શરૂ થઇ રહેલી અમદાવાદ-લંડન-નેવાર્ક ડાયરેક્ટ ફ્લાઇટના પ્રવાસીઓને વિદાય આપવા ૧૫ ઓગસ્ટે વહેલી પરોઢે અમદાવાદના સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાદગીપૂર્ણ સમારોહ યોજાયો હતો. સમારોહને મુખ્ય મહેમાનપદેથી સંબોધતા રાજ્યના મહેસૂલ તથા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ડાયરેક્ટ ફ્લાઇટને ગુજરાતને મળેલી સ્વાતંત્ર્ય પર્વની ભેટ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાત અને ગુજરાતીઓને યુકે અને યુએસ સાથે જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી માગણી થઇ રહી હતી. આ સેવાનો સ્વાતંત્ર્ય પર્વથી પ્રારંભ થઇ રહ્યો છે તે આનંદનો અવસર છે.
તેમણે કહ્યું હતું કે વેપાર-વણજમાં મોખરે ગુજરાતીઓ વિશ્વ પ્રવાસીઓ છે ત્યારે અમદાવાદ-લંડન-નેવાર્ક ડાયરેક્ટ ફ્લાઇટની સેવા ખરા અર્થમાં સુવિધારૂપ બનશે. આ ઉપરાંત આગામી જાન્યુઆરી માસમાં રાજ્યમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં હાજરી આપવા વિશ્વભરમાંથી આવી રહેલા ઉદ્યોગકારો અને રોકાણકારો માટે પણ આ સેવા ઉપયોગી બનશે. ફ્લાઇટ માટે સપ્ટેમ્બર સુધીનું બુકીંગ થઇ ગયું હોવાનો ઉલ્લેખ કરતા ચુડાસમાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રવાસીઓ માટે લાભકારક આ સુવિધા એર-ઇંડિયા માટે પણ ફાયદાકારક પુરવાર થશે તે નિઃશંક છે.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત અમદાવાદના મેયર ગૌતમભાઇ શાહે જણાવ્યું હતું અમદાવાદ હેરિટેજ સિટી બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે વિદેશથી આવતા પ્રવાસીઓને આ ડાયરેક્ટ ફ્લાઇટથી ઘણો ફાયદો થશે. અમદાવાદ (પશ્ચિમ)ના સાંસદ ડો. કિરીટભાઇ સોલંકીએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની લાંબા સમયની માગણી ઉકેલતી આ હવાઇ સેવા ગુજરાતના પ્રવાસીઓ ઉપયોગી બનશે.
કાર્યક્રમના પ્રારંભે એર ઇન્ડિયાના ચેરમેન અશ્વિન લોહાનીએ જણાવ્યું હતું કે દેશના વિવિધ શહેરો અને રાજ્યોને જોડવાનું કામ કરતી એર ઇન્ડિયા હવે દેશને વિશ્વ સાથે જોડવા પ્રયત્નશીલ છે. આ શ્રુંખલામાં અમદાવાદ-લંડન-નેવાર્ક ડાયરેક્ટ ફ્લાઇટ તરીકે એક વધુ કડી ઉમેરાઇ છે. એર ઇંડિયા દ્વારા આગામી સમયમાં દેશના અન્ય શહેરોને વિશ્વના બીજા દેશો સાથે જોડાશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
લકી ડ્રોમાં વિજેતા જાહેર થયેલા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે બોર્ડિંગ પાસ મેળવનાર સુરતના પ્રવાસી સ્ટેફી ઘીવાલાએ કહ્યું હતું, ‘અમદાવાદને અમેરિકા સાથે જોડતી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય પ્રશંસનીય છે. આ ફ્લાઇટથી ગુજરાતના વિવિધ શહેરોમાંથી યુકે - યુએસ જઇ રહેલા પ્રવાસીઓને ઘણી જ રાહત થશે. તેમના સમય અને નાણાં - બન્ને બચશે. આ ફ્લાઇટ શરૂ કરવા માટે વડા પ્રધાનનો ખૂબ ખૂબ આભાર.’
અમદાવાદથી લંડન જતી પહેલી ડાયરેક્ટ ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલા સંધ્યાબહેન અને અરુણભાઇ જોશી તો આ સુવિધાથી ખુશખુશાલ છે. નોર્થ લંડનમાં પાલ્મર્સ ગ્રીનમાં રહેતા આ દંપતીએ કહ્યું હતું કે આનાથી સમયનો ઘણો જ બચાવ થશે. મૂળ જામનગર જિલ્લાના વતની જોશી દંપતી વર્ષે-દોઢ વર્ષે સ્વજનોની મુલાકાતે ગુજરાત આવે છે અને મોટા ભાગે વડોદરામાં રોકાણ કરે છે. તેમનું કહેવું હતું કે વર્ષોપહેલાં ડાયરેક્ટ ફ્લાઇટની સગવડ હતી ત્યારે ઘણી રાહત રહેતી હતી. આ ફ્લાઇટ બંધ થતાં મુંબઇ, દિલ્હી કે દુબઇ જેવા એરપોર્ટ પર વિનાકારણ ૨-૪ કલાકનો સમય વેડફાતો હતો. જોકે હવે સીધી ફ્લાઇટ ફરી શરૂ થતાં સમય તો બચશે જ, હેરાનગતિ પણ ઘટશે.’
સંધ્યાબહેન કહે છે કે એર ઇંડિયાએ જેમ અમદાવાદને યુકે-યુએસ સાથે જોડતી ડાયરેક્ટ ફ્લાઇટની સગવડ આપી છે તેમ વડોદરા એરપોર્ટને ડેવલપ કરીને ત્યાંથી પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા આયોજન કરવું જોઇએ.
કંઇક આવો જ પ્રતિભાવ નેવાર્ક જઇ રહેલા ઋષભ શેલત અને રાગિણીબહેન શેલતનો હતો. અમદાવાદના મણિનગરમાં રહેતાં અને પરિવારને મળવા યુએસ જઇ રહેલા ઋષભભાઇ ડાયરેક્ટ ફ્લાઇટ માટે કહે છે, ‘ઇટ’સ લાઇક હેવન... હું બુકીંગ માટે ગયો ત્યારે મને કલ્પના પણ નહોતી કે સીધી ફ્લાઇટ શરૂ થઇ રહી છે. આ પ્રકારની સીધી ફ્લાઇટથી પ્રવાસીની સગવડ તો વધે જ છે, સાથેસાથે તે સમય અને નાણા પણ બચાવે છે.’
આ સમારોહમાં અમદાવાદ (ઇસ્ટ)ના સાંસદ પરેશ રાવલ, ધારાસભ્યો જગદીશ પંચાલ તથા જગરૂપસિંહ રાજપૂત, અમદાવાદના કલેક્ટર અવંતિકા સિંહ, ગુજરાત ખાતેના બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર જ્યોફ વેઇન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના નિધનના કારણે સમગ્ર કાર્યક્રમ એકદમ સાદગીપૂર્ણ રીતે યોજાયો હતો.