લંડનઃ ભારતના નાણા પ્રધાન અરુણ જેટલીએ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી- OFBJP (U.K)ની નવી વેબસાઈટ www.ofbjpuk.orgનું ઉદઘાટન કર્યું હતું. તેઓ પાર્લામેન્ટ સ્ક્વેરમાં ગાંધીપ્રતિમાનું અનાવરણ કરવા લંડન આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓ યુકેના મહત્ત્વના પ્રધાનો અને ભારતીય ડાયસ્પોરાના પ્રતિનિધિઓને મળ્યા હતા.
જેટલીએ દરએકને મહાત્મા ગાંધીના મૂલ્યોની યાદ અપાવી હતી અને આજે માત્ર ભારત કે બ્રિટન નહિ પરંતુ, સમગ્ર વિશ્વને આદર, અહિંસા અને માનવતાના તે મૂલ્યો તરફ જવાની જરૂર છે તેમ પણ જણાવ્યું હતું.
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી-યુકેના પ્રતિનિધિઓએ નાણા પ્રધાન સાથે મુલાકાત યોજી NRI કોમ્યુનિટી વિશે સંબંધિત વિવિધ વિષયો પર ફળદાયી ચર્ચા કરી હતી. જેટલીએ ભારતમાં બહુમતી ભાજપ સરકારની સ્થાપના માટે લોકસભા ચૂંટણી દરમિયાન OFBJP (U.K)ના સમર્થનની સરાહના કરી આભાર માન્યો હતો. તેમણે નાણાકીય સેક્ટરમાં હાથ ધરાનારા સુધારાઓ વિશે માહિતી આપી હતી, જે દેશ બહાર વસતાં ભારતીયોને લાભદાયી નીવડશે. તેમણે ભારતીય બજેટમાં લેવાયેલાં પગલાં અને તેનાથી દેશમાં મૂડીરોકાણનું સાનુકૂળ વાતાવરણ સર્જાશે તેમ પણ જણાવ્યું હતું.