લંડનઃ ડિજિટલ યુગ માટે મેગ્ના કાર્ટાની જરૂરિયાત વિશે સિટી ઓફ લંડનના ડ્રેપર્સ હોલમાં The Times/ Herbert Smith Freehills સ્પર્ધામાં ફાઈનલિસ્ટોએ નવા ચાર્ટરની તરફેણ કરી હતી. આ સ્પર્ધામાં ચેમ્સફર્ડની શાળાના વિદ્યાર્થી અર્જુન કિરીએ વિજય હાંસલ કરી £૩૦૦૦નું પ્રથમ ઈનામ પ્રાપ્ત કર્યું હતું. દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ઈનામ અનુક્રમે રેબેકા ટિટસ-કોબ, પીટર સેવરી અને લીઓનાર્દો દ રેઝેંદેએ હાંસલ કર્યા હતા. સ્પર્ધકોએ મેગ્ના કાર્ટા ચાર્ટરની ૮૦૦મી જયંતીએ સ્ટેટ સિક્યુરિટી, વ્યક્તિગત અંગતતા, કોમર્શિયલ એક્સપ્લોઈટેશન અને ડેટા સેન્સરશિપ, યોગ્ય અને અયોગ્યની અસ્પષ્ટ સરહદો સહિતના મુદ્દાઓ પરત્વે વિચાર વ્યક્ત કર્યા હતા.
ચેમ્સફર્ડની કિંગ એડવર્ડ છઠ્ઠા ગ્રામર સ્કૂલના વિદ્યાર્થી અર્જુન કિરીએ કહ્યું હતું કે,‘ ડિજિયલ યુગમાં મેગ્ના કાર્ટાની ખાસ જરૂર છે. આ યુગમાં શક્તિશાળી સરકાર અને વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ છે ત્યારે આ સંબંધોની સ્પષ્ટતા થવી આવશ્યક છે. ડિજિટલ મેગ્ના કાર્ટાએ આપણા અંગત જીવનના સંદર્ભે સરકારની સીમાઓને નવેસરથી ચિત્રણ કરવાનું છે એટલું જ નહિ, આપણા અધિકારોની ઉપરવટ ન જઈ શકાય તે માટે સરકારની અંદર જ ચેક્સ એન્ડ બેલેન્સની વ્યવસ્થા મજબૂત બનાવવાની છે, જેથી સર્વેલન્સ ટેક્નિક્સની બાબતોએ સરકારે શક્ય તેટલાં પારદર્શી રહેવું પડે.’