લંડનઃ માન્ચેસ્ટરના અર્નડેલ શોપિંગ સેન્ટરને ઉડાવી દેવાની યોજનાનો આરોપ ધરાવતા અલ-કાયદાના જેહાદી પાકિસ્તાની રીંગલીડર આબિદ નાસીરની ન્યૂ યોર્કમાં ચાલતી ટ્રાયલમાં પુરાવા તરીકે સૌપ્રથમ વખત જેહાદીઓ માટે ‘વફાદારીના શપથ’નો ઉલ્લેખ થયો હતો. પાકિસ્તાનમાં અલ-કાયદાના સૂત્રધાર ઓસામા બિન લાદેનને મારી નાખવા યુએસ સ્પેશિયલ ફોર્સીસ દ્વારા કરાયેલી રેડ દરમિયાન તેના કમ્પાઉન્ડમાંથી આ શપથ દસ્તાવેજો મળી આવ્યા હતા. નાસીરે ૨૦૦૯માં ન્યૂ યોર્ક, માન્ચેસ્ટર અને કોપનહેગનમાં હુમલાઓ કરવાની અલ-કાયદાના વૈશ્વિક કાવતરામાં તેની મહત્ત્વની ભૂમિકા હોવાનો અમેરિકી આરોપ નકાર્યો છે. સ્ટુડન્ટ વિઝા પર માન્ચેસ્ટરની કોલેજમાં અબ્યાસ કરવા આવેલા નાસીરનો કથિત પ્લોટ લાદેનને પહોંચાડાયો હતો, જેમાં વૈશ્વિક હુમલા કરવાનો ઉલ્લેખ હતો. અનામી જેહાદીઓ દ્વારા લખાયેલો આ પત્ર જ્યુરીને દર્શાવવામાં આવશે.