લંડનઃ રોયલ ફેસ્ટિવલ હોલમાં ગત ૧૭ જુલાઈ ૨૦૧૬ને રવિવારે સાઉથબેન્કના સમર ઓફ લવ ફેસ્ટિવલના ભાગરૂપે અવન્તિ સ્કૂલના ૧૫૦ બાળકોએ પ્રોફેશનલ સંગીતકારોના સહયોગથી પૌરાણિક હિંદુ ધર્મગ્રંથ ‘મહાભારત’ પર આધારિત સંગીતમય નાટક ‘આઈ વીલ બી ધેર’ રજૂ કરીને દર્શકોના મન મોહી લીધા હતા.
કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં પાંડવ-કૌરવ યુદ્ધમાં પોતાના જ સગાસંબંધી સાથે લડવા ન ઈચ્છતા અર્જૂનને ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ આપીને યુદ્ધ લડવા પ્રેરિત કરે છે તે પ્રસંગ બાળ કલાકારોએ નૃત્ય અને સંગીત સાથે સુપેરે રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યાં હતા. પોપ, બોલિવુડ, કોરલ અને ગોસ્પેલ મ્યુઝિકના સમન્વયે તેમાં પ્રાણ પૂર્યા હતા. આ પ્રસંગ મનુષ્ય આત્મા અને દિવ્યાત્મા વચ્ચેના અતૂટ બંધનની યાદ અપાવે છે.
બીના અંતરા (નૃત્ય), યુવોન ગ્રાન્ટ (નાટક), પોલ નેશ અને સુ મેકકોલ (વૃંદગાન)ના સહયોગથી વંદના સિંઘલે આ નાટકનું લેખન, નિર્માણ અને નિર્દેશન સંભાળ્યુ હતું. આ કાર્યક્રમનું આયોજન અવન્તિ સ્કૂલ ટ્રસ્ટના એજ્યુકેશનલ ડિરેક્ટર ઉષા સાહની OBE એ કર્યું હતું. કાર્યક્રમમાં અનિલ અગ્રવાલ, ડેમ એલિસન પીકોક, જેનેટ હિલેરી, હેરોના મેયર રેખાબહેન શાહ, હેરોના કાઉન્સિલરો મેરિલીન એશ્ટિન, નવીન શાહ, અજય મારુ અને ક્રિસ્ટીન રોબ્સન સહિત સંખ્યાબંધ મહાનુભાવો, પેરન્ટ્સ, બાળકો અને નાગરિકોએ નાટકનો આનંદ માણ્યો હતો.
વેદાન્તા રિસોર્સિસ PLCના સ્થાપક અને ચેરમેન અનિલ અગ્રવાલે હેરો, રેડબ્રિજ અને લેસ્ટરમાં ચાર સ્કૂલ્સનું સંચાલન કરતા અવન્તિ સ્કૂલ ટ્રસ્ટ માટે અત્યાધુનિક મલ્ટિ મિલિયન પાઉન્ડની પરફોર્મિંગ આર્ટ્સ ફેસિલિટી માટે ભંડોળ આપવાની જાહેરાત કરી હતી. ટ્રસ્ટની પાંચમી સ્કૂલ સપ્ટેમ્બરમાં ક્રોયડન ખાતે શરુ કરાશે.
અન્ય સ્કૂલો અને ચેરિટીના બાળકોને આમંત્રિત કરવા માટેના બાળક દીઠ ૧૦ પાઉન્ડના ‘સ્પોન્સર એ ચાઈલ્ડ’ અભિયાનમાં કોર્પોરેટ્સ, પરિવારો અને નાગરિકોએ યોગદાન આપ્યું હતું. જેના પરિણામે, સાંઈ સ્કૂલ, સ્વામિનારાયણ સ્કૂલ અને શાખાના બાળકો તથા સેવાકેર ચેરિટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.