લંડન,બર્મિંગહામઃ યુનિવર્સિટી ઓફ વોરવિકના લેક્ચરર લૈલા રશીદ દ્વારા અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી બાળકો માટેની લેખનકળાનો વિકાસ થાય તે હેતુથી નવી મેગાફોન લેખક વિકાસ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાને ધ આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લેન્ડ અને ધ પબ્લિસર્શ એસોસિયેશન દ્વારા ભંડોળ ફાળવવામાં આવ્યું છે. લૈલા રશીદ ‘ચિપ્સ, બીન્સ એન્ડ લિમુઝીન્સ’ સીરિઝના લેખિકા હોવા ઉપરાંત યુનિવર્સિટી ઓફ વોરવિકમાં બાળકો માટે લખવાનું શીખવે છે.
બાળકો માટે પ્રથમ નવલકથાને આખરી ઓપ આપવા સફળ પાંચ અરજદારને મુખ્ય પબ્લિસર્શ અને આંતરરાષ્ટ્રીય એવોર્ડવિજેતા લેખકો મદદ કરશે. અરજીઓ ૧૪ ઓક્ટોબર ૨૦૧૫થી ૨૪ ડિસેમ્બર સુધી કરી શકાશે. www.megaphonewrite.com પરથી વધુ વિગતો મેળવી શકાશે. મેગાફોન યોજનામાં પાંચ બેઠક છે, જેની ફી £૩૦૦ની છે. જોકે, જરૂરિયાતમંદને તેમાં સંપૂર્ણ રાહત મળવાપાત્ર છે. માસ્ટરક્લાસીસ ૨૦૧૬-૧૭ દરમિયાન બર્મિંગહામમાં લેવાશે, જેના માટેનું સ્થળ સ્થાનિક લેખકવિકાસ એજન્સી Writing West Midlands દ્વારા પુરું પડાશે. નવા લેખકો લોકનજરમાં અને પબ્લિસર્શના ધ્યાને આવે તે માટે વિશેષ કાર્યક્રમ પણ યોજવામાં આવશે.
પ્રોજેક્ટ ડિરેક્ટર અને લેખિકા લૈલા રશીદ કહે છે કે,‘એશિયન બાળકોને ધ્યાનમાં રાખીને અથવા તો વંશીય લઘુમતી લેખકો દ્વારા બાળકો માટે વાર્તાઓ લખાતી નથી. મારાં બાળપણના ૩૦ વર્ષ પછી પણ ખાસ પરિવર્તન આવ્યું નથી. મેગાફોન સ્કીમ વ્યવહારુ અને વિધેયાત્મક ફેરફાર માટેનો પ્રયાસ છે. વંશીય લઘુમતીના નવોદિત લેખકો બાળકો માટેના લેખનક્ષેત્રમાં પોતાની લેખન કૌશલ્યનો વિકાસ કરી શકે તેવું લક્ષ્ય ધરાવે છે.’