લંડનઃ યુકેમાં ૨૦૫૧ સુધીમાં વંશીય લઘુમતીની વસ્તી શ્વેત સમુદાયની સરખામણીએ ત્રણ ગણી ઝડપે વધશે અને ચાર બ્રિટિશરમાં એક વ્યક્તિ અશ્વેત અથવા વંશીય લઘુમતી વર્ગની હશે તેવી આગાહી કરાઈ છે. સૌથી વધુ ઝડપી વૃદ્ધિ પાકિસ્તાન, બાંગલાદેશ અને આફ્રિકન જૂથોની રહેશે તેમ લીડ્ઝ યુનિવર્સિટીના સર્વેના તારણો જણાવે છે. દેશની વસ્તી ૨૦૧૧માં ૬૩.૪ મિલિયન હતી, જે ૨૦૫૧માં વધીને ૭૭.૪ મિલિયન થશે. આના પરિણામે એનએચએસ, હાઉસિંગ અને શાળા પર ભારે દબાણ સર્જાશે. સંશોધકોના તારણો જણાવે છે કે પાકિસ્તાન, બાંગલાદેશ અને આફ્રિકન ઈમિગ્રન્ટ્સમાં બાળજન્મ દર વધવાથી આ પરિસ્થિતિ સર્જાશે. આ સમુદાયો તેમના યુવાન અને ફળદ્રુપ વર્ષોમાં યુકે આવે છે. સંશોધકોના અંદાજ અનુસાર કેરેબિયન્સની ૦.૬૧ મિલિયનની વસ્તી ૨૦૫૧માં વધીને ૧.૩ મિલિયન થશે, જ્યારે આફ્રિકન (૦.૬૧ મિલિયનથી વધી ૧.૯૨ મિલિયન), ભારતીય (૧.૪૫ મિલિયનથી વધી ૨.૮૫ મિલિયન), પાકિસ્તાની (૧.૧૮ મિલિયનથી વધી ૨.૬૦ મિલિયન), બાંગલાદેશી (૦.૪૫ મિલિયનથી વધી ૦.૮૮ મિલિયન) અને ચાઈનીઝ વસ્તી ૦.૪૩ મિલિયનથી વધીને ૧.૦૫ મિલિયન થશે. વસ્તીમાં ઝડપી વૃદ્ધિના કારણે હાઉસિંગ, સ્કૂલ્સ અને NHS પર દબાણ વધશે તેમજ સમગ્રતયા બ્રિટનમાં જીવનની ગુણવત્તાને અસર થશે.૨૦૧૧થી ૨૦૫૧ના ગાળામાં શ્વેત બ્રિટિશરોની વસ્તી અંદાજે ત્રણ મિલિયન વધશે, જ્યારે લઘુમતી વસ્તીમાં ૧૦ મિલિયન જેટલો વધારો થશે તેમ સંશોધકો કહે છે. ૨૧મી સદીના મધ્યબિંદુએ વંશીય લઘુમતી સમુદાયોનો હિસ્સો કુલ વસ્તીના ૨૪.૩ ટકા થશે, જે ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં ૧૨.૮ ટકા હતો. આની સરખામણીએ શ્વેત બ્રિટિશરોની વસ્તી ૨૦૫૧માં ઘટીને ૭૫.૭ ટકા થશે, જે ૨૦૧૧માં ૮૭.૨ ટકા હતી. પાંચ જ વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ છે. જુલાઈ ૨૦૧૦માં પ્રસિદ્ધ આવા જ સર્વેમાં લીડ્ઝ યુનિવર્સિટીના સંશોધકોએ ૨૦૫૧ સુધીમાં વંશીય લઘુમતીની વસ્તી કુલ વસ્તીના ૨૦ ટકા રહેવાની આગાહી કરી હતી.