લંડનઃ અશ્વેતોના અધિકારોની અગ્રણી કેમ્પેઈનર ૨૭ વર્ષીય સાશા જ્હોન્સનને રવિવાર,૨૩ મેની મોડી રાત્રે માથામાં ગોળી મારવામાં આવતા તે હોસ્પિટલમાં જીવનમરણનો જંગ ખેલી રહી છે. ચળવળોમાં ગાજતી રહેતી હોવાથી સાશા જ્હોન્સનને મોતની સંખ્યાબંધ ધમકીઓ મળી હોવાનું પણ સાથી ચળવળકારોએ જણાવ્યું હતું.
ધ ટેકિંગ ધ ઈનિશિયેટિવ પાર્ટી (TTIP)એ જણાવ્યું હતું કે સાઉથ ઈસ્ટ લંડનમાં પેકહામના કોન્સોર્ટ રોડ પર સાશાને ગોળી મારવામાં આવી હતી. TTIPના ફેસબૂક પેજમાં જણાવાયું હતું કે સાશા હંમેશાં અશ્વેત લોકોના અધિકારો અને અશ્વેત કોમ્યુનિટીને કરાતા અન્યાયો સામે લડવામાં સક્રિય રહી છે. તે બ્લેક લાઈવ્ઝ મેટરની સભ્ય અને TTIPની એક્ઝિક્યુટિવ લીડરશિપ કમિટીની સભ્ય છે. મેટ્રોપોલિટન પોલીસના સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડ ટ્રાઈડન્ટના ઓફિસરોએ જણાવ્યું હતું કે હજુ કોઈ ધરપકડ થઈ નથી. એમ કહેવાય છે કે યુવા કાર્યકર, કાફેની માલિક અને ત્રણ સંતાનોની માતા સાશાએ તાજેતરમાં બ્લેક લાઈવ્ઝ મેટર ચળવળ સાથે છેડો ફાડ્યો હતો. ગત ઉનાળામાં આ ચળવળના દેખાવોનું આયોજન કરવા સાથે તે પ્રકાશમાં આવી હતી.