અસડાને ૬,૬૪,૦૦૦ પાઉન્ડનો જંગી દંડ

Thursday 10th November 2016 05:14 EST
 
 

લંડનઃ અસડાના રોયલ પાર્ક સ્ટોરમાં બ્રેડ રોલમાં એક ગ્રાહકને ઉંદરની લીંડી નજરે પડ્યા બાદ કોર્ટે અસડાને ૬,૬૪,૦૦૦ પાઉન્ડનો જંગી દંડ ફટકાર્યો હતો. ગ્રાહકે તો સીડ્સ હોવાનું માનીને બ્રેડરોલનો એક બાઈટ પણ ખાધો હતો. બાદમાં, તેને ખબર પડી કે તે સીડ્સ નહીં પરંતુ, ઉંદરની ચરક હતી.

અગાઉ ગયા સપ્ટેમ્બરમાં પણ ફૂડ સેફ્ટી અને હાઈજીન્સના ચાર ગુનાની કબૂલાત બદલ ઈલિંગ મેજિસ્ટ્રેટની કોર્ટે કંપનીને દંડ કર્યો હતો. અસડાને કોસ્ટ તરીકે ઈલિંગ કાઉન્સિલને ૭૫૯૯ પાઉન્ડ ચૂકવવા અને રોલ ખરીદનારા ગ્રાહકને વળતર તરીકે ૫૦૦ પાઉન્ડ તેમજ ૧૨૦ પાઉન્ડ વિક્ટીમ સરચાર્જ તરીકે ચૂકવવા આદેશ કર્યો હતો.

રોયલ પાર્ક સ્ટોરની ઘટનામાં ગ્રાહકે બે દિવસ બાદ એન્વાયર્નમેન્ટ ચીફ્સને ફરિયાદ કરતા તપાસ દરમિયાન તેમને ઉંદરોનો ઉપદ્રવ હોવાનું અને સ્ટોરની બેકરીમાં ગંદકી હોવાનું જણાયું હતું. અક્સબ્રીજ મેજિસ્ટ્રેટ કોર્ટને રજૂઆત કરાઈ હતી કે ગયા સપ્ટેમ્બરના ઈન્સ્પેક્શનમાં આટાની બેગ્સ, ફૂડ પેકેજિંગ અને ટ્રોલીઓ પર ઉંદરોની લીંડીઓ જોવા મળી હતી. વધુમાં વોક-ઈન-ફ્રીઝરના દરવાજા પાસે એક ઉંદર મૃત હાલતમાં પડેલો મળ્યો હતો. ઓફિસરોને જાણવા મળ્યું હતું કે અગાઉના વર્ષે પેસ્ટ કન્ટ્રોલ કંપનીએ ૭૨ વખત સ્ટોરની મુલાકાત લીધી હતી તેથી આ ગંભીર સમસ્યાની અસડાને જાણ હતી. સ્ટોરના અન્ય વિભાગ ખુલ્લા રખાયા હતા. જ્યારે બેકરીમાં સાફ સફાઈ હાથ ધરાઈ હતી અને હવે તે સારી ગુણવત્તા જાળવી રાખશે તેમ મનાય છે.

ઈલિંગ કાઉન્સિલના કોમ્યુનિટી સર્વિસીસ અને સેફ્ટીના કેબિનેટ મેમ્બર કાઉન્સિલર રણજીત ધીરે જણાવ્યું હતું કે આ ચુકાદાથી તેઓ ખૂબ ખુશ છે કારણ કે કોર્ટને આ ગુનાની ગંભીર નોંધ લઈને જંગી દંડ ફટકાર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter