૬ એપ્રિલથી અમલી બનેલા નવા કાયદા અનુસાર યુરોપિયન યુનિયન બહારના નાગરિકો છ માસ કરતા વધુ સમય માટે યુકે રહેવા આવવા અરજી કરે ત્યારે જ તેમની પાસેથી ‘હેલ્થ સરચાર્જ’ વસૂલ કરાશે. બિન-ઈયુ નાગરિકો તેમનો રહેવાસ લંબાવવા અરજી કરે તેમની પાસેથી પણ આ ચાર્જ લેવાશે. આનાથી ઈમિગ્રન્ટ્સ માટે પરિસ્થિતિ વધુ દુશ્મનાવટભરી બનશે. આનાથી વણસી રહેલા ભારત-યુકે સંબંધોના કોફીન પર છેલ્લો ખીલો વાગી જશે.
દાયકાઓથી ભારતીયો જેવાં ઈમિગ્રન્ટ્સ બ્રિટિશ વર્કિંગ ક્લાસનો અખંડ હિસ્સો બની રહ્યા છે. બ્રિટને મલ્ટિકલ્ચરિઝમના લીધે પ્રગતિ સાધી છે, છતાં આ વિચારને આજે ચુનંદા જૂથના વર્ચસ્વ તરીકે નિહાળાય છે. એક પેઢી અગાઉ, ‘એકીકરણ’નો મુદ્દો હતો. આજે બ્રિટિશ હિન્દુ, શીખ, જૈન, અને યહુદીઓ વચ્ચે તેની જરા પણ સમસ્યા નથી. વાસ્તવમાં વંશીય લઘુમતીઓ વચ્ચે સાંસ્કૃતિક તફાવતો ‘બ્રિટિશનેસ’ માટે જરા પણ જોખમ કે ધમકીરૂપ નથી.
કાવ્યા કૌશિકના લેખ અનુસાર ઈમિગ્રેશનની ચર્ચા જરૂર કરતા વધુ ખેંચાઈ છે. બ્રિટનમાં જન્મેલા વંશીય લઘુમતીનું વર્ગીકરણ પણ ‘છુપાં માઈગ્રન્ટ્સ’ તરીકે થાય છે. રાજકારણમાં પણ રંગભેદ વધી રહ્યો છે. બીએમઈ ચૂંટણીપ્રચારકને ‘મારે તમારા જેવાં લોકો અહી જોઈતાં નથી’ સાંભળવા મળે તેવી શક્યતા વધી છે.
BME કોમ્યુનિટીની ‘બ્રિટિશનેસ’ સામે હંમેશા પ્રશ્નો ઉભાં કરાય છે. યુકેમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ ભારતીય છે ત્યારે પણ બ્રિટિશ સોસાયટીને પેઢીઓથી આપાયેલા પ્રદાન પછી આ મુદ્દો અસ્વીકાર્ય છે. આનાથી એક મહત્ત્વનો પ્રશ્ન ઉભો થાય છે કે, શું BME કોમ્યુનિટીને ગુલામ તરીકે જ નિહાળવામાં આવે છે? વર્ષો સુધી કરની ચુકવણી, નોકરીઓનું સર્જન, આ દેશને પોતાનો જ ગણવા છતાં સમાન દરજ્જા માટે અયોગ્ય ઠરાવાય છે.
યુગાન્ડાથી હકાલપટ્ટી પછી ઘણા ઈમિગ્રન્ટ્સ માટે બ્રિટન જ ઘર બન્યું હતું, પરંતુ તે બે પેઢી પહેલાની વાત છે. ઘણી બ્રિટિશ માઈગ્રન્ટ કોમ્યુનિટીઝ માટે ઓળખ, સંસ્કૃતિ અને ભાષાની ચર્ચા આજે પણ જોવા મળે છે. ઈમિગ્રન્ટવિરોધી લાગણી વધતા આ સમુદાયો અનિચ્છનીય હોવાનું અનુભવે છે. જો આપણે માઈગ્રન્ટ્સ તરફ UKIPના દુશ્મનીપૂર્ણ એજન્ડાને ધ્યાનમાં ન લઈએ તો પણ ટોરી પાર્ટીની ‘માઈગ્રન્ટ બોન્ડ’ જેવી યોજનાઓ ભયજનક જ છે. લેબર પાર્ટીનો ઈમિગ્રન્ટવિરોધી અભિગમ પણ જરા વિચિત્ર જણાય છે. આ સામાન્ય ચૂંટણીમાં યુકેની શાસક પાર્ટીના ભાવિનો નિર્ણય વંશીય લઘુમતીઓના હાથમાં હોવાની આગાહી કરાય છે. આથી બ્રિટન જેવા દેશમાં ઈમિગ્રન્ટ તરફનું વલણ અને દંભ અસ્વીકાર્ય છે.