લંડનઃ ઈંગ્લેન્ડના ડેવન શહેરમાં રહેતા ૪૯ વર્ષના પાસ્કલ સેલિક નામના બહેન આગામી મહિને ધામધૂમથી લગ્ન કરવાના છે. આ લગ્નમાં મ્યુઝિક, નાચ-ગાન અને ભવ્ય ભોજનની વ્યવસ્થા કરાઈ છે. લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે બહેને પોતાનાં લગ્નમાં આમંત્રિત મહેમાનોને ડ્રેસ-કોડ પણ આપ્યો છે. મહેમાનોએ નાઈટ ગાઉન, પાયજામો અને સ્લિપર પહેરીને રિલેક્સ મૂડ સાથે આવવાનું કહ્યું છે. આ બધાનું કારણ એ છે કે બહેનનાં લગ્ન કોઈ વ્યક્તિ સાથે નહીં પણ તેમની પ્યારી રજાઈ સાથે થવાનાં છે. સિન્થેટિક ફાયબર અને સોફ્ટ પીંછાથી બનેલી આ સુંવાળી અને હૂંફાળી રજાઈ પાસ્કલ બહેનને બહુ જ ગમે છે. આથી તેમણે ૧૦ ફેબ્રુઆરીએ ડેવનના ધ ગ્લોરિયસ આર્ટહાઉસમાં લગ્ન નિર્ધાર્યા છે. તેમણે મહેમાનોને તેમની સાથે ગમતાં સોફ્ટ ટોય્ઝ લાવવા હોય તો તેની પણ છૂટ પણ આપી છે. બહેનનું કહેવું છે કે હાલમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે એટલે લગ્ન કર્યા બાદ વેલેન્ટાઈન્સ ડેની આસપાસ રજાઈ સાથે હનીમૂન પર જવાનું પ્લાનિંગ પણ કર્યું છે.