ચીનથી આવેલા કોરોનાએ આ પાંચેક મહિનામાં માણસને કેટલો બદલી નાખ્યો. જંગલી થોરીઆ ઉપર ઉગતાં ઝીણાં લાલ ફૂલો ખરબચડા દડા ઉપર ઉગ્યાં હોય એવો આ કોરોનાએ વિશ્વભરમાં જબ્બર કેર વરસાવ્યો છે. કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન ઘરમાં ગોંધાઇ રહેલા કેટલાક નીશાચર આત્માઓની મનોદશા કેવી થઇ હશે એ આપણે સમજી શકીએ છીએ. મોડે સુધી લંડનની શેરીઓ, પબો અને રેસ્ટોરન્ટોમાં ગામગપાટા મારનારા ઘરમાં ડિપ્રેશન એટલે કે માનસિક તનાવ ભોગવી રહ્યા છે તો કેટલાક ઘરે કામ કરીને સ્ટ્રેશ ભોગવી રહ્યા છે. બ્રિટનમાં આવા સ્ટ્રેશ કે ડિપ્રેશન ભોગવનારાનો ઇલાજ હવે "પપી યોગા"થી કરવામાં આવે છે. આપને થશે કે સ્વામી રામદેવના યોગા, ઝુમ્બા ડાન્સ યોગ અને પલાટે જોયા પણ આ "પપી યોગા" હોતા હશે!!! વાંચક ભાઇ-બહેનો આ હસવાની વાત નથી.. .હોં. આ સત્ય હકીકત છે.
લંડન પાટનગરમાં 'પપી યોગા' સેન્ટરો ચાલે છે. એની ફી બહુ મોંઘી છે પણ તમે જો પશુપ્રેમી હોય તો તમારું સ્ટ્રેશ આ યોગાથી દૂર થઇ શકે. આ પપી સેન્ટરમાં તમે જાવ એટલે મોટા હોલમાં તમારે મેટ પાથરીને યોગ માટે છૂટાછવાયા બેસી જવાનું. એ પછી યોગ ટીચરો ૨૦-૨૫ કૂતરાનાં ગલૂડિયાં તમારી વચ્ચે ફરતાં મૂકે. અવાજ કરે એવા પ્લાસ્ટીકનાં નાના બોલ મોંઢામાં લઇ ગલૂડિયાં Sorry પપી તમારી વચ્ચે રમતાં હોય, તમારી પાસે આવે, ગેલ કરે, વહાલ કરે ત્યારે એ પપીને ગોદમાં લઇ તમે પંપાળો, વહાલ કરો. આમ તમારું સ્ટ્રેશ દૂર થઇ શકે છે એવું આ પપી યોગા કરનારાનું માનવું છે. યુરોપના ફ્રાન્સ, ઇટાલી, જર્મની જેવા દેશોમાં સ્ટ્રેશ દૂર કરવા ગોટ એટલે કે 'બકરી યોગા'ના વર્ગો ચાલે છે. આવા પપી કે બકરી યોગા કેટલા કારગત નિવડે એ તો આપણે કોઇ મનોવિજ્ઞાનીને પૂછીએ તો સમજાય.