લંડનઃ પાર્લામેન્ટ હાઉસ નજીક આવેલા વિક્ટોકરિયા ટાવર ગાર્ડન્સમાં ગુરુવારે બપોરે ખુશનુમા વાતાવરણમાં ચોથા યુએન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગાની ઉજવણીના આ મુખ્ય કાર્યક્રમમાં ઓલ પાર્ટી પાર્લામેન્ટ ગ્રૂપ – ઈન્ડિયન ટ્રેડિશનલ સાયન્સના સહ અધ્યક્ષ બોબ બ્લેકમેન અને મેમ્બર બેરોનેસ વર્મા, યુકે ખાતેના ભારતના હાઈ કમિશનર વાય. કે સિંહા, લોકસભાના ઉપાધ્યક્ષ ડો. મુનિસામી થામ્બીદુરાઈ ભારતના રાજ્યકક્ષાના પ્રધાન (સ્વતંત્ર હવાલો) મનોજ સિંહા અને શ્રી એમ દેશભરમાંથી આવેલા અંદાજે ૫૦૦ જેટલાં યોગ ઉત્સુકો સાથે જોડાયા હતા.
લંડનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૧૮નો યુકે ખાતેના ભારતના હાઈ કમિશનર વાય. કે સિંહાનો આ ફ્લેગશીપ કાર્યક્રમ હતો. તેમણે પેલેસ ઓફ વેસ્ટમિન્સટર નજીક આવેલા ગાર્ડનમાં યોગા મેટ પર બેઠેલા મહેમાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશની યાદ અપાવી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે વિશ્વના ‘આ સૌથી મોટા સામુહિક અભિયાને’ લોકોને બીમારીમાંથી સાજા થવા તરફનો માર્ગ દર્શાવ્યો છે તેમજ આ ‘પ્રાચીન છતાં આધુનિક શિસ્ત’ માનવજાતના ભવિષ્ય માટે આશા પૂરી પાડે છે. ૨૧ જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દહેરાદુનમાં ૫૦,૦૦૦ની મેદનીને ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તેમના ચાવીરૂપ સંબોધનમાં આ વાત કહી હતી.
ડો. મનોજ સિંહા તેમજ ડો. થામ્બીદુરાઈએ પણ રોગનો ઈલાજ કરવા કરતા તેને થતો અટકાવવો જોઈએ તેવા માનવ સ્વાસ્થ્ય માટેના ભારતીય વડા પ્રધાનના વૈશ્વિક સંદેશનો પુનરોચ્ચાર કર્યો હતો.
ઓલ પાર્ટી પાર્લામેન્ટ ગ્રૂપ – ઈન્ડિયન ટ્રેડિશનલ સાયન્સના સેક્રેટરી અમરજીત એસ ભામરાએ યુકેની NHS સાથે ઈન્ડિયન ટ્રેડિશનલ સાયન્સીસને સાંકળવામાં ભારતના હાઈ કમિશનર વાય કે સિંહાએ દર્શાવેલા રસ તેમજ સમર્પણની પ્રશંસા કરી હતી. તેને લીધે સેન્ટ્લ લંડનમાં પહેલું સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર યોગા એન્ડ ઈન્ડિયન ટ્રેડિશનલ મેડિસીન નિર્માણ પામ્યું હતું. જેનું ઉદઘાટન ગઈ ૧૮ એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા કરાયું હતું.
બાદમાં જ્યોતિ જોષી, ડો. નિતાશા બુલદેવ, પદ્મા કોરમ, દેવરાજ એસ ખાલસા, પંડિત સતીશ શર્મા, સુષ્મા ભણોત, જુઆન એવિસન, માર્ચિન વર્ધી અને રોબિન ગ્રેહામ સહિત નિષ્ણાત યોગ શિક્ષકોએ સૌને યોગના વિવિધ આસનો કરાવ્યા હતા અને જીવનમાં યોગના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.