લંડનઃ બિઝનેસમેન સઈદ રઝા શાહે જીવનની બચત ખર્ચીને ૧૯૬૦ના દાયકાના નાના બંગલાનું કુલ ત્રણ મજલાના મેન્શનમાં રુપાંતર કર્યું, ત્યારે તેમને કલ્પના પણ ન હતી કે £૨ મિલિયનનો ખર્ચ પાણીમાં જવાનો છે. સેન્ટ્રલ બેડફર્ડશાયર કાઉન્સિલે પરવાનગી કરતા ચાર ગણું બાંધકામ કરાયાનું કારણ આગળ ધરી મેન્શનને જમીનદોસ્ત કરીને પરવાનગી અનુસારનું મૂળ બાંધકામ રાખવાનો આદેશ આપ્યો છે.
સઈદ રઝાએ ભારે જહેમત અને જીવનની બચત ખર્ચી પોતાના નાના બંગલાનું વધારાના બે માળ સાથે સાત બેડરુમ અને ભવ્ય બાલ્કનીઓના મેન્શનમાં રુપાંતર કર્યુ ત્યારે તેઓ સાતમા આસમાને વિહરતા હતા. તેમનું મેન્શન મૂળ કરતાં ત્રણ ગણી કિંમત ધરાવતું હતું. પરંતુ બે વર્ષના કાનૂની યુદ્ધ પછી તેમને મેન્શન તોડી પાડવા આદેશ અપાયો છે. ચાર નાના બાળકો અને પત્ની ફરાહ સાથે આ ઘરમાં રહેતા મિ. શાહે થોડાં નિયમભંગની કબૂલાત કરી હતી, પરંતુ ફ્લોર સ્પેસનાં ૨૦૦ ટકાના વધારાના કાઉન્સિલના દાવાને નકાર્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ડિમોલીશનનો આદેશ આપતા પહેલા ૧૮ મહિના બાંધકામ ચાલ્યું ત્યાં સુધી ઓફિસરોએ શા માટે રાહ જોઈ હતી.
મિ. શાહને અગાઉ, બાર્ટન-લે-ક્લેમાં આવેલા બંગલામાં નવી છત અને ફ્લોર સ્પેસમાં આશરે ૪૫ ટકાના વિસ્તરણની પરવાનગી મળી હતી. પરંતુ ૨૦૧૩માં સેન્ટ્રલ બેડફર્ડશાયર કાઉન્સિલે ૨૦૦ ટકા જેટલું વિસ્તરણ કરાયાના દાવા સાથે એન્ફોર્સમેન્ટ નોટિસ આપી હતી. અસંખ્ય અપીલો પછી પણ, પ્લાનિંગ ઈન્સ્પેક્ટોરેટે ચુકાદામાં આ નવી પ્રોપર્ટી વિસ્તારની લાક્ષણિકતાને નુકસાનકારી હોવાનું જણાવી કાઉન્સિલના નિર્ણયને માન્ય રાખ્યો છે. ૪૭ વર્ષના શાહે અપીલમાં જણાવ્યું હતું કે તેમણે ૨૦૦૮માં £૭૫૦,૦૦૦માં પ્રોપર્ટી ખરીદી ત્યારે તે આંખને ખૂંચે તેવી હતી અને નવા બાંધકામ સાથે તે એરિયાને ભવ્યતા આપે છે.