આગામી ચૂંટણીની ચાવી માઈગ્રન્ટ્સ મતદારો હસ્તક

Monday 02nd February 2015 05:53 EST
 
 

લંડનઃ યુકેની બહાર જન્મેલા લોકો વિક્રમી સંખ્યામાં મે-૨૦૧૫ની સામાન્ય ચૂંટણીમાં મત આપી શકશે અને ઘણા ચાવીરૂપ મતક્ષેત્રોમાં સત્તાની સમતુલા પોતાના હસ્તક રાખશે, તેમ માઈગ્રન્ટ્સ વોટનું સઘન વિશ્લેષણ જણાવે છે. આશરે ૪૦ લાખ મતદારો, ઈંગ્લેન્ડ અને વેલ્સના સમગ્ર મતક્ષેત્રોમાં ૧૦માંથી એક મતદાર દરિયાપાર જન્મેલો હશે. બે બેઠકોમાં તો ૫૦ ટકાથી વધુ મતદાર વિદેશમાં જન્મેલા હશે અને તેના વિજેતાનો નિર્ણય સૌપ્રથમ વખત આ મતદારોના હાથમાં હશે.

માન્ચેસ્ટર યુનિવર્સિટીના અને રિપોર્ટના સહઆલેખક રોબર્ટ ફોર્ડ કહે છે કે મુખ્ય રાજકીય પક્ષો માઈગ્રન્ટ્સ વોટની વધતી અસરને નજરઅંદાજ કરી રહ્યા છે. માઈગ્રન્ટ્સ મતદારોની સંખ્યા Ukipના વર્તમાન સમર્થકો જેટલી વિશાળ છે. માઈગ્રન્ટ્સ રાઈટ્સ નેટવર્કના રૂથ ગ્રોન-વ્હાઈટ અને રોબર્ટ ફોર્ડનો આ રિપોર્ટ ૨૦૦૧ અને ૨૦૧૧ના સેન્સસ તેમ જ નેશનલ સ્ટેટેસ્ટિક્સ એજન્સીના ડેટા પર આધારિત છે.

રિપોર્ટના તારણો કહે છે કે • ઈંગ્લેન્ડ અને વેલ્સના અંદાજે ચાર મિલિયન લોકો વિદેશમાં જન્મેલા છે અને મતદાન કરવાને લાયક છે. ૨૦૧૦ની ચૂંટણીમાં આ સંખ્યા ૩.૫ મિલિયન હતી. • ઈસ્ટ હામ અને બ્રેન્ટ નોર્થની બે બેઠકો પર વિદેશમાં જન્મેલા મતદારોની બહુમતી હોવાની આગાહી કરાઈ છે. અન્ય ૨૫ બેઠકોમાં કુલ મતદારોનો ત્રીજો ભાગ અને વધુ ૫૦ બેઠકોમાં તેમનો હિસ્સો ૨૫ ટકા જેટલો હશે. • મોટા ભાગના આ મતદારો લંડન અને વેસ્ટ મિડલેન્ડ્સમાં ઈનર સીટ્સમાં વધુ કેન્દ્રિત છે અને કેટલીક માર્જિનલ બેઠકોમાં સત્તાની સમતુલા સ્વહસ્તક રાખી શકે છે. • આ મતદારો પૂર્વ કોમનવેલ્થ રાષ્ટ્રો, રીપબ્લિક ઓફ આયર્લેન્ડથી આવ્યા છે અથવા યુકેમાં પાંચથી વધુ વર્ષ રહ્યા પછી બ્રિટિશ નાગરિક બનેલા છે.

અભ્યાસ કહે છે કે માઈગ્રન્ટ્સ એક જૂથ કે બ્લોક તરીકે મતદાન કરશે નહિ છતાં ભૂતકાળની પેટર્ન્સ સૂચવે છે કે તેઓ વંશીય સમાનતા અને ઈમિગ્રેશન મુદ્દે પોઝિટિવ પક્ષોની તરફેણ કરે છે અને માઈગ્રન્ટ્સ તરફ શત્રુતા દર્શાવી અવહેલના કરનારાને સમર્થન આપે નહિ તેવી વધુ શક્યતા છે. ફોર્ડ કહે છે કે,‘Ukip સહિતના તમામ પક્ષો માઈગ્રન્ટ્સ પ્રતિ કઠોર વલણ દર્શાવી રહ્યા છે ત્યારે વિદેશથી બ્રિટન આવેલા લાખો મહેનતુ બ્રિટિશ નાગરિકોને આ પ્રચાર વિમુખ કરી દેનારો લાગે છે. માઈગ્રન્ટ્સ મતદારો મહત્ત્વના મુદ્દાઓ વિશે સાંભળવા ઈચ્છે છે. જો પક્ષો તેના તરફ ધ્યાન નહિ આપે તો ચોક્કસ નુકસાન થશે કારણ કે આ મતદાર સમૂહ હવે વધુ નોંધપાત્ર અસર ઉભી કરશે.’

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વિદેશમાં જન્મેલા મતદારોમાં સૌથી વધુ પ્રમાણ ભારતના (૬૧૫,૦૦૦) લોકોનું છે. આ પછીના ક્રમે, પાકિસ્તાન (૪૩૧,૦૦૦), આઈરિશ રીપબ્લિક (૨૯૭,૦૦૦), બાંગલાદેશ (૧૮૩,૦૦૦), નાઈજિરિયા (૧૮૨,૦૦૦), સાઉથ આફ્રિકા (૧૬૮,૦૦૦), જમૈકા (૧૩૦,૦૦૦), જર્મની (૧૨૦,૦૦૦), શ્રી લંકા (૧૧૮,૦૦૦), કેન્યા (૧૧૧,૦૦૦), ઓસ્ટ્રેલિયા (૯૬,૦૦૦), હોંગકોંગ (૮૪,૦૦૦), તથા અન્ય દેશો (૨૮૬,૦૦૦)ના લોકો આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter