નોર્થ વેસ્ટ લંડનમાં હેરોના મેનોર રોડ પર રહેતા અને માત્ર ૧૦ જ વર્ષની વયે બોન મેરોની તકલીફ (Dyskeratosis Congenita) ધરાવતા માસુમ દુષ્યંત મહેતાનો જીવ બચાવવો આપના હાથમાં છે. માત્ર દુષ્યંત જ નહિં પણ તેના જેવા ઘણાં બધા નિર્દોષ અને માસુમ લોકોના જીવ આપણા 'બ્લડ સ્ટેમ સેલ'નું દાન કરીને બચાવી શકીએ તેમ છીએ. જરૂર છે મક્કમ મનોબળ રાખીને માટે બ્લડ સ્ટેમ સેલનું દાન કરવા આપણા નામની નોંધણી કરાવવાની.
વિવિધ સેવાકીય પ્રવૃત્તીઅો સાથે સંલગ્ન એવા બીએપીએસ સ્વામીનારાયણ મંદિર (૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નિસડન, લંડનNW10 8LD) ખાતે તા. ૭ માર્ચ, ૨-૧૫ના રોજ બપોરે ૩થી ૮ દરમિયાન દુષ્યંત માટે અને તેના જેવા અન્ય ગુજરાતી ભારતીય ભાઇ-બહેનોના જીવ બચાવી શકાય તે આશયે દાતાઅોની મજબૂત યાદી તૈયાર કરવા એક નોંધણી શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ સૌ બ્લડ સ્ટેમ સેલ દાતા તરીકે આપનું નામ નોંધાવી શકશો.
દુષ્યંત અને તેના જેવા અન્ય માસુમના જીવ બચે તે માટે તમારે અત્યારે કશું જ કરવાની જરૂર નથી માત્ર આપની ૧૫ મિનિટ ફાળવીને મંદિરે પહોંચવાનું છે જ્યાં આપના ગાલના અંદરના ભાગેથી 'સ્વેબ' એટલે કે લાળ લઇને તેની તપાસ કરાશે અને જો તમે કોઇ સદનસીબનો જીવ બચાવી શકો તેમ હશો તો તમારો સંપર્ક કરી 'બ્લડ સ્ટેમ સેલ'નું દાન લેવાશે.
ખૂબજ દુખની વાત એ છે કે દુષ્યંતની મોટી બહેન દેવાંશીને પણ આવી જ બીમારી હતી અને તે સમયે માત્ર બે જ વર્ષના માસુમ દુષ્યંતના સ્ટેમ સેલ્સ વડે બહેન દેવાંશીનું જીવન બચાવ્યું હતું. દેવાંશીને આ દાનથી સાડા પાંચ વર્ષનું વધુ જીવન મળ્યું હતું, પરંતુ પરંતુ કમનસીબે બીમારી સામે લડતા લડતા માત્ર ૧૫ વર્ષની વયે ગત ૨૦૧૨માં તે મોતને ભેટી હતી. પણ હવે ખુદ દુષ્યંતને સ્ટેમસેલ્સના દાનની જરૂર પડી છે.
જો આપ ૧૮થી ૫૫ વર્ષની વય જુથના હો, શરીરે તંદુરસ્ત હો અને બ્લડસ્ટેમ સેલ દાન કરી કોઇનો જીવ બચાવવાની ભાવના ધરાવતા હો તો આપને નમ્ર વિનંતી છે કે આપ દુષ્યંત અને તેના જેવા અન્ય સૌના જીવ બચાવવામાં મદદ કરો. વધુ માહતી માટે જુઅો www.deletebloodcancer.org.uk