લોર્ડ જિતેશ ગઢિયાએ ચોથી ફેબ્રુઆરી, શનિવારે BAPS સ્વામિનારાયણ મંદિર, નીસડન ખાતે સત્સંગ સભાને સંબોધતા જણાવ્યું હતું કે વિશ્વસનીયતા ટકાવી રાખવા માટે આપણે પરિવાર અને સમાજ વચ્ચેના સંબંધો જાળવી રાખીને સમયાંતરે તેને મજબૂત બનાવવા જોઈએ અને ક્યારેય આપણું મૂળ ભૂલવું ન જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે તાજેતરની ઘટનાઓ (બ્રેક્ઝિટ, યુએસ ચૂંટણી વગેરે) આપણને અનપેક્ષિતની પણ અપેક્ષા રાખવાનું શીખવે છે. આપણે સતત પરિવર્તન અને અનિશ્ચિતતાનો સામનો કરીએ છીએ. માત્ર રાજકીય અનિશ્ચિતતા જ નહિ પરંતુ, ટેક્નોલોજીમાં અતિ ઝડપે થતાં પરિવર્તનોની ઘેરી અસરોનો પણ. અર્થતંત્રનું કોઈ ક્ષેત્ર અવરોધક બળોની અસરથી બાકાત નથી. આ જ રીતે મધ્યપૂર્વમાં લાંબા સંઘર્ષને લીધે સર્જાયેલી અનિશ્ચિતતા જોઈ, જેમાં ઘણા માણસોનો ભોગ લેવાયો અને લોકોએ સામૂહિક સ્થળાંતર કર્યું.
તેમણે જણાવ્યું કે ઘરઆંગણે પણ વધતી વસ્તીના પડકારથી આપણે શિક્ષણ, કામ અને નિવૃત્તિ તેમજ હેલ્થ અને સોશિયલ કેરની પરંપરાગત પદ્ધતિઓ વિશે ફેરવિચાર કરવો પડશે. તેમણે ઉમેર્યું હતું કે ૧૯૧૭માં ૧૦૦ લોકોમાંથી માત્ર એક વ્યક્તિ ૧૦૦ વર્ષ જીવતી હતી, જ્યારે અત્યારે જન્મેલા ૧૦૦માંથી ૫૦ લોકો ૧૦૦ વર્ષ સુધી જીવશે.
લોર્ડ ગઢિયાએ જણાવ્યું હતું કે પ્રતિકાર કરી ન શકાય તેવા આ પ્રચંડ બળોથી સમાજો સંકુચિત માનસવાળા, અસહિષ્ણુ બની જવાનું સ્પષ્ટ જોખમ વર્તાય છે. વર્તમાન સમયનું આ સૌથી મોટું જોખમ છે અને એટલે જ અગાઉની સરખામણીએ હિંદુ ધર્મ અને હિંદુ મૂલ્યોનું આજે વધુ મહત્ત્વ છે. આપણે વસુધૈવ કુટુમ્બકમના આદર્શ મૂલ્યોના મશાલધારકો છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સમક્ષ પ્રથમ સંબોધનમાં આ મુદ્દા પર ભાર મૂક્યો હતો અથવા તો પ્રમુખ સ્વામીના શાશ્વત શબ્દોમાં કહીએ તોઃ ‘અન્યોના સુખમાં જ આપણું સુખ સમાયેલું છે.’
લોર્ડ ગઢિયાએ જણાવ્યું હતું, ‘આપણો હિંદુ ધર્મ વિશ્વમાં સૌથી જૂનો જ નહિ પરંતુ, સૌથી શાંતિપ્રિય અને સહિષ્ણુ ધર્મ છે. હિંદુ ધર્મ અન્ય ધર્મોથી એટલા માટે અલગ પડે છે કારણ કે તેના કોઈ એક સ્થાપક નથી, એક જ દેવ નથી, એક પવિત્ર ગ્રંથ નથી કે કોઈ મધ્યસ્થ ધાર્મિક સત્તા નથી. વિધિસરના માળખાના અભાવનો અર્થ એ કે હિંદુ ધર્મ આધ્યાત્મિકતાના ઉંડા મૂળ ધરાવતી સંસ્કૃતિ છે. તે ખ્રિસ્તી અથવા ઈસ્લામ ધર્મની માફક સંયોજિત નથી, અને તે જ આપણો વિશિષ્ટ લાભ છે.’
કમ્પાલામાં જન્મ અને કેમ્બ્રિજમાં અભ્યાસ પછી ઈન્વેસ્ટમેન્ટ બેન્કર બનેલા નેતાએ જણાવ્યું હતું કે હિંદુ ધર્મ નિરંકુશ અથવા વિચારસરણીથી પ્રેરિત નથી કારણ કે તેમાં સત્યના પ્રસાર સિવાય કોઈ છૂપો એજન્ડા કે ઉદ્દેશ નથી. તમામ હિંદુ ગ્રંથો એકસૂરે કહે છે કે માનવી હિંદુ હોય કે ન હોય, દરેકનું અંતિમ લક્ષ્ય આત્મજ્ઞાન હોય છે. હિંદુ ધર્મની બીજી સારી વાત એ છે કે તે કોઈપણ દિશાથી આવતા ઉમદા વિચારોને સમાવી લે છે. ઋગ્વેદમાં જણાવાયું છે તેમ ‘અમે દરેક દિશાએથી આવતા સત્યને આવકારીએ છીએ’.
મહાન સંસ્કૃતિઓનું રહસ્ય એ હોય છે કે તે પોતાનામાં બધું સમાવી લે છે અને તેના આધુનિકીકરણ સાથે તેના આવશ્યક મૂલ્યો અને વિશ્વસનીયતા જાળવી રાખે છે. તેમણે જણાવ્યું હતું કે બ્રિટિશ જીવનમાં હિંદુઓનું શિક્ષણ, બિઝનેસ, સશસ્ત્ર દળો, હોસ્પિટલોમાં ફરજ દ્વારા વ્યાપક યોગદાન છે. હકીકતમાં દરેક સમયે આપણે પરિવાર, જવાબદારી, સાહસ અને પરિશ્રમના આપણા ભારતીય અને હિંદુ મૂલ્યોનું નિદર્શન કરીએ છીએ.
સત્સંગ સભામાં લોર્ડ ડોલર પોપટ, લેડી સંધ્યા પોપટ, લોર્ડ રણબીર સૂરી, લેડી તરલોચન સૂરી, લોર્ડ રાજ લુમ્બા, લેડી વીણા લુમ્બા અને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક-તંત્રી સી બી પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા. લોર્ડ ગઢિયાએ સીબી પટેલને પોતાના દીર્ઘકાલીન મેન્ટર ગણાવ્યા હતા. સભામાં લોર્ડ ગઢિયાના પત્ની અંજલિબહેન અને બાળકો પ્રિયાના અને દેવંદ તેમજ માતા હંસાબહેન પણ ઉપસ્થિત હતાં.