લંડન: આફ્રિકન બેકિંગ કોંગ્લોમેરેટ એટલાસ મારા લિમિટેડના સહસ્થાપક આશિષ ઠક્કર ડાયવોર્સ કેસમાં મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે લંડનમાં જજ ફિલિપ મુરે તેમના પરિવારના સભ્યોની જુબાનીઓના પગલે તેઓ જુઠ્ઠુ બોલતાં હોવાનું જણાવી અન્ય કંપનીઓ સહિત મારા ગ્રૂપ હોલ્ડિંગ્સ લિમિટેડની સંપૂર્ણ માલિકી ઠક્કરની જ હોવાનો ચૂકાદો આપ્યો હતો. ‘ગુરુ’ મોરારીબાપૂના ચૂસ્ત અનૂયાયી હોવાનો દાવો કરતો આશિષ તેમની કરૂણા અને સત્યના ઉપદેશને ખુલ્લેઆમ સમર્થન કરે છે. કર્મના સિદ્ધાંતમાં માનનારા આશિષે સફળ બિઝનેસના નિર્માણની ચાવી તરીકે પ્રમાણિકતાનો ઉપદેશ પણ કર્યો છે. હવે પરિસ્થિતિ એ છે કે આ બધા શબ્દો તેને માટે અવાસ્તવિક છે.
આશિષ, તેની પૂર્વ પત્ની મીરાં ઠક્કર, પિતા જગદીશ અને બહેન આહૂતિની શ્રેણીબદ્ધ મૌખિક જુબાનીઓ અને પૂરાવાઓના આધારે જજ મુરે એમ ઠરાવ્યું હતું કે આશિષ, જગદીશ અને આહૂતિએ કોર્ટ સમક્ષ જુઠ્ઠાણું ચલાવ્યું છે. આશિષે તેનાં બિઝનેસ પર કોઈ અંકુશ નકારતા દાવો કર્યો હતો કે તેના પિતા, માતા સરલા અને બહેન તેની કંપનીઓનાં લાભાર્થીઓ હતા. જોકે આ હકીકતો પરથી જજ મૂરે તારણ કાઢ્યું હતું કે આશિષ વિના શંકાએ તેના કોર્પોરેટ્સની સંપૂર્ણ માલિકી ધરાવતો હતો. જજ મૂરે જણાવ્યું હતું કે, ‘મને કહેતા ખેદ થાય છે કે હું આ સંપૂર્ણ બાબતને દેખાઈ આવતાં નોનસેન્સ તરીકે ગણું છું જે રેગ્યુલેશન્સમાં આશિષને પ્રથમ લાભાર્થી તરીકે નોંધવાનો ખુલાસો આપવાના પ્રયાસમાં ઉપજાવી કાઢેલું છે. પ્રતિવાદી ઠક્કરના તમામ ત્રણેય સાક્ષીઓ મારી સમક્ષ વારંવાર જુઠ્ઠુ બોલ્યાં છે જેની અસર તેમની બાકીના પુરાવા ઉપર દેખાય છે.’
સરલા ઠક્કર આરોગ્ય સમસ્યાઓને દર્શાવી મૌખિક જુબાની આપવાથી અળગા રહ્યાં હતાં. આ મુદ્દે જજે કહ્યું હતું કે તેઓ નિવેદન આપી શક્યા હોત અને તે પછી આ મુદ્દે અરજી કરી શક્યા હોત. તેમણે ચૂકાદામાં જણાવ્યું હતું કે તમામ સંભાવનાઓ પર નજર નાખતાં મને જણાય છે કે તે આ કોર્ટ સમક્ષ જુઠ્ઠુ બોલવા તૈયાર ન હોવાથી કોર્ટમાં હાજરી આપી નહતી. તેમણે પોતાના લોયરને કંપનીમાં ઇન્ટરેસ્ટ આહૂતિ ધરાવતી હોવાના આધારે કેસ લડવા સૂચના આપેલી છે. તેણે જગદીશ ઠક્કરને અસંતોષકારક સાક્ષી ગણાવ્યા હતા.
૩૫ વર્ષના આશિષ ઠક્કર ડાયવોર્સ સંબંધિત મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા. તેમની પત્નીએ આશિષે કરેલા દાવા કરતા વધુ ધનવાન હોવાનો દાવો કર્યો હતો. આશિષે જણાવ્યું હતું કે તેની સંપત્તિ માત્ર ૪૪૫, ૫૩૨ પાઉન્ડ જ હતી. જ્યારે તેના ટ્રાવેલ, જર્નાલિસ્ટ, પૂર્વ પાર્ટનરે આ સ્વિકારવાનો ઈનકાર કરી કોર્ટમાં લડત આપી હતી. કેસને વળાંક આપવાના આશિષના પ્રયાસોથી રોષિત જજ મૂરે તેને કેરિશમેટિક કેરેકટર ગણાવ્યા હતા. ‘તે મારાના બિઝનેસને સંપૂર્ણ રીતે જાણે છે. મારા કઈ દિશામાં ગતિ કરે તેનો નિર્ણય પણ તેના જ હાથમાં છે તે બિઝનેસ ખરીદવાનો અથવા ક્ષેત્રમાં વિસ્તરણનો નિર્ણય લે છે તે એન્ટ્રેપ્રિન્યોર અને મનીમેકર છે.’
તેના પિતાએ વેપાર શરુ કરવા ૫,૦૦૦ ડોલર આપ્યા હતા. સસ્તા કોમ્પ્યુટર સાધનો ખરીદવા તેણે દૂબાઈની ઉડાનો ભરવા માડી અને સેન્ટ્રલ કમ્પાલાની નાની દુકાનમાં તેનું વેચાણ કરવા માંડ્યું. તેણે દૂબાઈમાં કંપની સ્થાપી બિઝનેસને વધાર્યો હતો. આ પછી તેણે યુગાન્ડામાં પેકેજિંગ ફેક્ટરી પણ શરૂ કરી અને આફ્રિકાના નવા બજારોમાં પગપેસારો કરવા માગતી ભારતીય આઈટી સર્વિસીસ કંપની સાથે ભાગીદારી પણ કરી હતી.
૧૯૯૬માં તેણે યુગાન્ડામાં RAPS(U)LTD.ની સ્થાપના કરી હતી. કંપનીના પ્રથમાક્ષર રોના, આહૂતિ, પ્રતિન અને સરલાના નામે રખાયાં હતા. આ પછી અસંખ્ય કંપનીઓ સ્થપવામાં આવી હતી. ઠક્કર અને બોબ ડાયમન્ડની મુલાકાત મે ૨૦૧૩માં તેમના સંબંધિત ફાઉન્ડેશન્સ થકી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ કોન્ફરન્સમાં થઈ હતી, જે મૈત્રીમાં પરિણમી હતી. બંનેએ મળી સબ-સહારાન આફ્રિકામાં બેન્કોમાં હિસ્સો ખરીદવાના વિચાર સાથે બેન્કિંગ વેન્ચર શરુ કરવા નિર્ણય લીધો હતો. એટલાસ મારામાં ઠક્કર નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. બ્રિટિશ વર્જિન આઈલેન્ડ્સમાં સ્થપાયેલી કંપનીએ ૨૦૧૩થી શેર્સ ઓફર કરી ઈન્વેસ્ટરો પાસેથી લાખો ડોલર્સ એકત્ર કર્યાં હતાં. ત્રણથી વધુ વર્ષ અગાઉ જાહેર શેરવેચાણ પછી કંપનીએ તેનું ૮૦ ટકા જેટલું મૂલ્ય ગુમાવ્યું હતું.