લંડનઃ મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાની લંડન શાખા અને વિશ્વના પ્રથમ ઈકો-ટેમ્પલ શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા આર્મ્ડ ફોર્સીસનું બહુમાન કરવાનો કાર્યક્રમ યોજાયો છે. લંડનમાં શુક્રવાર, ૧૨ ઓગસ્ટે આર્મ્ડ ફોર્સીસ હિન્દુ નેટવર્ક દ્વારા રક્ષાબંધન તહેવારનું આયોજન શ્રી સ્વામીનારાયણ મંદિર (Kingsbury Road, London NW9 8AQ) ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હાઉસ ઓફ લોર્ડ્સમાં ડિફેન્સ મંત્રાલયમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ અર્લ હોવ, જનરલ સર ગોર્ડન મેસેન્જર KCB DSO OBE ADC (વાઈસ ચીફ, ડિફેન્સ સ્ટાફ), અને રીઅર એડમિરલ ગ્રીમ મેક્કે (આર્મ્ડ ફોર્સીસ હિન્દુ ચેમ્પિયન) સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
મહત્ત્વનો હિન્દુ તહેવાર રક્ષાબંધન પરિવારોમાં અને સમુદાયોમાં પારસ્પરિક રક્ષણનું પવિત્ર પ્રતીક છે. તહેવારની પરંપરા અનુસાર બહેન ભાઈના કાંડા પર પારસ્પરિક રક્ષણના પ્રતીક સ્વરુપ રાખી બાંધે છે. કોમ્યુનિટીમાં લોકો તેમના નેતાઓ (મેયર, સાંસદો, શાહી પરિવાર વગેરે)ને, વિદ્યાર્થીઓ તેમના શિક્ષકને અને કર્મચારીઓ તેમના નોકરીદાતાઓને રાખી બાંધી શકે છે. સ્વર્ગના અધિપતિ ઈન્દ્ર યુદ્ધે જતા ત્યારે પત્ની શચિ તેમના કાંડે રક્ષાકવચ બાંધતી હોવાના ઉલ્લેખથી નગરજનો દ્વારા સશસ્ત્ર દળોના સભ્યને રાખી બંધાતી હોવાનું પ્રમાણ છે.
શ્રી સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી ડો. મહેશ વરસાણીએ જણાવ્યું હતું કે, ‘સશસ્ત્ર દળો આપણા રક્ષણ માટે સાવધ રહે છે.આપણા વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ આચાર્ય સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી આર્મ્ડ ફોર્સીસ હિન્દુ નેટવર્કના રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરાયું છે.’
આ પ્રસંગે મંદિરના શ્રી મુક્તજીવન સ્વામીબાપા એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટના કલાકારો દ્વારા શાસ્ત્રીય નૃત્ય અને સંગીતનો કાર્યક્રમ અપાશે. શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ દ્વારા મુલાકાતીઓનું સ્વાગત કરવામાં આવશે. રક્ષાબંધન કાર્યક્રમ સવારે ૯.૪૫ કલાકે શરુ તશે અને બપોરના ૧૨.૦૦ વાગે સમાપન થશે. આ પછી, નેટવર્કિંગ ભોજન પણ રહેશે.