લંડનઃ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ચેતવણી આપી છે કે ISIS અને અલ કાયદાના આદેશની રાહ જોઈ રહેલાં ૮૦૦ જેટલા ઈસ્લામિક કટ્ટરવાદીઓ યુકે સહિતના યુરોપમાં હુમલાઓ કરવા સજ્જ બન્યા છે. ઈરાક અને સીરિયાના યુદ્ધોમાંથી પાછાં ફરેલા આશરે ૩૫૦ બ્રિટિશ નાગરિકો પણ યુકેમાં હુમલાઓ કરવાનું આયોજન ધરાવે છે. આ લોકો સારી તાલીમ ધરાવતાં નથી, પરંતુ કશું પણ કરવાની તેમની તૈયારી હોવાનું એજન્સીઓએ જણાવ્યું હતું. આશરે ૭૦૦ બ્રિટિશ કટ્ટરવાદી મિડલ ઈસ્ટના યુદ્ધોમાં ભાગ લેવા ગયા હોવાનું મનાય છે.એમસ્ટર્ડેમથી પેરિસ જતી હાઈ સ્પીડ ટ્રેનમાં આતંક ફેલાવનાર ૨૫ વર્ષીય મોરોક્કન બંદૂકબાજ અયુબ અલ ખાઝાની સીરિયાના યુદ્ધમાં સામેલ ઈસ્લામિક જેહાદી હોવાનું બહાર આવ્યા પછી આ ચેતવણી અપાઈ છે. ત્રણ અમેરિકન અને બ્રિટિશ દાદાજી સહિતના છ પ્રવાસીઓએ કટ્ટર ઈસ્લામિક ચળવળમાં સામેલ અયુબને ઝડપી લીધો હતો. તે કાલાશનિકોવ એસોલ્ટ રાઈફલ, ઓટોમેટિક પિસ્તોલ, એમ્યુનિશન્સથી સજ્જ હતો. તે ૨૦૧૪ સુધી સાત વર્ષ સ્પેનમાં રહ્યો હતો અને જેહાદનો બચાવ કરતા પ્રવચનો આપ્યા પછી તે સ્પેનિશ ઈન્ટેલિજન્સની નજરમાં આવ્યો હતો.સ્પેનમાં કાઉન્ટર-ટેરરિઝમ સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રકારના હુમલાઓ કરવા ૮૦૦ જેટલા ઈસ્લામિક જેહાદીઓ યુરોપ પાછાં ફર્યાં છે. કેટલાંકની ભાળ મેળવી શકાઈ છે,પરંતુ મોટા ભાગના જેહાદીઓ છુપાઈને કામ કરી રહ્યાં છે. સૂત્રોએ કહ્યું હતું કે આ લોકોના મગજમાં જેહાદી સિદ્ધાંતો ઠાંસી દેવાયા પછી તાલીમ ઓછી આપવામાં આવે છે, પરંતુ તેઓ કોઈ પણ હદે જવા તૈયાર રહે છે.