લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડને ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનમાંથી બહાર કાઢવાનો રોડમેપ જાહેર કર્યો છે. તેમણે સોમવારે ચાર તબક્કાની યોજના જાહેર કરી હતી, જેનો પ્રારંભ ૮ માર્ચથી સ્કૂલ-કોલેજ ખુલવા સાથે થશે. કેરહોમ્સ અને સામાજિક મિલન-મુલાકાતમાં પણ થોડી છૂટછાટ મળશે. આ તબક્કાનો બીજો ભાગ ૨૯ માર્ચથી લાગુ થશે, જેમાં છથી વધુ વ્યક્તિનો સામાજિક સંપર્ક, સ્ટે એટ હોમ આદેશમાં છૂટછાટ, વર્ક ફ્રોમ હોમ તેમજ ટેનિસ અને બાસ્કેટબોલ કોર્ટ્સ ખોલવાનો સમાવેશ થાય છે.
રોડમેપના ૧૨ એપ્રિલથી શરૂ થતા બીજા તબક્કામાં બિનઆવશ્યક દુકાનો, હેર ડ્રેસર્સ, આઉટડોર હોસ્પિટાલિટી, ઝૂ અને થીમ પાર્ક ફરી ખોલી શકાશે. જોકે, રુલ ઓફ સિક્સ અથવા બે પરિવારોનો નિયમ અમલમાં રહેશે.
ત્રીજો તબક્કો ૧૭ મેથી શરૂ થશે, જેમાં બે પરિવારો અને રુલ ઓફ સિક્સ નિયમનો અંત આવશે. જોકે, પાર્ક અને ગાર્ડન્સમાં ૩૦થી વધુ વ્યક્તિનો મેળાવડો કરી શકાશે નહિ. આ તબક્કામાં પબ્સ અને રેસ્ટોરાંમાં ઈનડોર સર્વિસ ચાલુ કરાશે તેમજ સિનેમા સહિતની મનોરંજન સેવા ચાલુ થશે. ચોક્કસ અને મર્યાદિત ક્ષમતાના આધારે મોટા પરફોર્મન્સીસ અને સ્પોર્ટિંગ ઈવેન્ટને પરવાનગી મળશે. જોકે, લગ્નો અને ફ્યુનરલ્સ સહિત ઉજવણીમાં ૩૦ વ્યક્તિની મર્યાદા યથાવત્ રહેશે.
રોડમેપનો ચોથો તબક્કો ૨૧ જૂનથી શરૂ કરાશે જ્યારે અર્થતંત્રને વેગવંતુ બનાવવા મોટા ભાગના નિયંત્રણો ઉઠાવી લેવાશે. લગ્નો અને નાઈટ ક્લબ્સ સહિતના સામાજિક સંપર્ક માટે તમામ કાનૂની મર્યાદાઓ ઉઠાવી લેવાશે.
જોકે જ્હોન્સન સરકારના રોડમેપમાં ઉનાળાની રજાઓમાં વિદેશયાત્રાની સંભાવનાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. સરકારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર ઓછામાં ઓછાં ૧૭ મે સુધી પ્રતિબંધો યથાવત્ રહેશે. દેશમાં આવતા અને બહાર જતા પ્રવાસો કેવી રીતે સલામતી સાથે આરંભી શકાય તેની સમીક્ષા પછી નિર્ણય લેવાશે.
વડા પ્રધાને સોમવારે હાઉસ ઓફ કોમન્સને સંબોધતા જણાવ્યું હતું કે લોકડાઉન ઉઠાવી લેવાથી વધુ કેસીસ અને વધુ હોસ્પિટાલાઈઝેશન અને વધુ મોતની હકીકતોથી છટકી શકીશું નહિ. ‘ઝીરો કોવિડ બ્રિટન’ હોવાનો કોઈ વિશ્વસનીય માર્ગ નથી. તેમણે ચાર તબક્કાના પ્લાનની જાહેરાત કરવા સાથે જણાવ્યું હતું કે અંત નજીક જણાઈ રહ્યો છે અને ઉનાળો વધુ સારો રહેશે.