લંડનઃ યુકેના વિજ્ઞાનીઓએ સમગ્ર ઈન્ટરનેટની માહિતીને પ્રિન્ટ કરવામાં આવે તો કેટલો કાગળ જોઈએ તેની ગણતરી માંડી હતી. વિજ્ઞાનીઓની ગણતરી પ્રમાણે સ્ટાન્ડર્ડ ૮x૧૧ સાઈઝના ૧૩૬ બિલિયન પાનાઓની જરૂર પડે એવું તારણ મળ્યું છે. આટલી મોટી સંખ્યામાં કાગળના પાના મેળવવા માટે ૧૬ લાખ વૃક્ષો ઉગાડવા પડે. એમેઝોન જંગલોમાં એક વૃક્ષમાંથી ૮૫૦૦ જેટલા પાના મેળવી શકાય તેવી ગણતરી તેમણે કરી હતી.
યુકેની લેસ્ટર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જ્યોર્જ હારવૂ઼ડ અને ઈવેન્જીલેન વોકરે આ ગણતરીનો સાચો તાગ મેળવવા માટે વિકીપિડિયાના અંગ્રેજી વર્ઝનનો ઉપયોગ કર્યો હતો. તેમણે મનગમતા ૧૦ આર્ટીકલ પસંદ કરી દરેકના ૧૫ પાના પ્રિન્ટ કરવાનું શરૂ કર્યું હતું. સંશોધકોએ વિકિપીડિયાના પાનાની સંખ્યા સાથે આ સંખ્યાનો ગુણાકાર કરતા ઉત્તર ૭૦૮૫૯૮૬૫ આવ્યો હતો. તેના પરથી વિજ્ઞાનીઓએ ઈન્ટરનેટના વેબપેજીસની કુલ સંખ્યા કેટલી હોય એ જાણવા કોશિશ કરી હતી જે તેમના કહેવા પ્રમાણે ૪૫ અબજ થતી હતી.
આ સાથે યુકેના વિજ્ઞાનીઓએ એ પણ જાણવાની કોશિશ કરી હતી કે જંગી સંખ્યામાં ઈન્ટરનેટને પ્રિન્ટ કરવામાં જરૂરી કાગળ માટે એમેઝોનના જંગલોમાં કેટલા વૃક્ષો ઉગાડવા પડે. દરેક વૃક્ષમાંથી કાગળ બની શકે એવી ધારણાના આધારે તેમણે જંગલના પ્રતિ ચોરસ મીટરમાં ૭૦૯૦૯ વૃક્ષોની વહેંચણી કરી હતી. આખરે વિજ્ઞાનીઓએ અંદાજ મેળવ્યો હતો કે દરેક ઉપયોગી વૃક્ષમાંથી ૧૭ રિમ કાગળ અને દરેક રિમમાંથી ૫૦૦ કાગળના પાના મેળવી શકાય છે.
તેમણે તાળો મેળવ્યો કે જો વિકીપીડિયાને જ પ્રિન્ટ કરવા ૮૩૩૭ વૃક્ષોની જરૂર પડે અને દરેક વૃક્ષમાંથી ૧૭ રિમ જેટલો કાગળ જરૂરી બને તો સમગ્ર ઈન્ટરનેટને પ્રિન્ટ કરવા માટે ૮x૧૧ની સ્ટાન્ડર્ડ સાઈઝના ૧૩૬ અબજ પાનાઓની જરૂર પડે.